વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રયાગરાજમાં ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 47 મિનિટ વાત કરી. તેમણે કહ્યું, ‘સિસ્ટમે યુવાનોને ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. તેમને કહેવામાં આવે છે કે તમારે જેટલી રીલ બનાવવી હોય તેટલી બનાવો. મજૂરી કરો. 21મી સદીનો નશો કરો, પણ નોકરી નહીં મળે.’
તેમણે કહ્યું, ‘પરિવારો પાસેથી લાખો કરોડો રૂપિયા લેવામાં આવે છે અને બદલામાં BA-MAની ડિગ્રી મળે છે, પરંતુ આ સર્ટિફિકેટ રોજગારની ગેરંટી આપતું નથી. આજે હજારમાંથી માત્ર 12 યુવાનોને કાયમી નોકરી મળી રહી છે.’
રાહુલે આ દરમિયાન મંચ પર 7થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી. તેમને શિક્ષણ, રોજગાર સંબંધિત પ્રશ્નો પૂછ્યા. તેમની સાથે પ્રિયંકા ગાંધીની દીકરી મિરાયા પણ હાજર હતી. આ કાર્યક્રમમાં યુપીના 23 જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.
રાહુલે કાર્યક્રમમાં 3 તસવીરો બતાવી, ત્રણેયના અર્થ સમજાવ્યા
1. જેટલી રીલ જોવી હોય, જુઓ
રાહુલે કહ્યું કે સિસ્ટમે યુવાનોને ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. લાખો-કરોડોની ફી પછી એક સર્ટિફિકેટ મળે છે, જેની આજે કોઈ કિંમત નથી. કારણ કે આ સર્ટિફિકેટ રોજગાર આપતું નથી.
યુવાનોને કહેવામાં આવે છે કે તમારે જેટલી રીલ બનાવવી હોય, બનાવો. જેટલી રીલ જોવી હોય, જુઓ. બ્લિન્કિટ, ઉબરમાં કામ કરો. મજૂરી કરો. 21મી સદીનો નશો લો, પરંતુ નોકરી મળી શકતી નથી
2. યુવાનો માટે 5 દરવાજા હતા, બધા બંધ
રાહુલે કહ્યું કે યુવાનો માટે પાંચ દરવાજા હતા, તે બધા બંધ કરી દેવામાં આવ્યા છે.
પહેલો: દુનિયામાં આજે મેડ ઇન ચાઇના, મેડ ઇન વિયેતનામ, મેડ ઇન બાંગ્લાદેશ મળશે, પરંતુ મેડ ઇન ઇન્ડિયા નહીં મળે. કારણ કે નોટબંધી અને ખોટા GST એ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને ખતમ કરી દીધી છે.
બીજો: સ્ટાર્ટઅપ ઇન્ડિયા ક્યાં ગયું? હિન્દુસ્તાનની બેંકો તમને એક રૂપિયો નહીં આપે, અંબાણી-અદાણીને લાખો કરોડ રૂપિયા આપશે. નાના વેપારીઓને બેંક લોન મળતી નથી.
ત્રીજો: સરકારી નોકરીની તૈયારી કરનારા 150 ઉમેદવારોમાંથી માત્ર 1 યુવાનને સરકારી નોકરી મળે છે.
ચોથું: પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ કરવાથી નોકરીઓ ખતમ થઈ ગઈ. 2014 પહેલાં જે પબ્લિક સેક્ટરમાં 14 લાખ નોકરીઓ હતી, તે 2026માં માત્ર 7 લાખ જ બચી.
પાંચમું: કોર્પોરેટ જોબમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને કારણે નોકરીઓ ખતમ થઈ ગઈ છે.
3. મૂડીપતિઓની સંપત્તિ 30 ગણી વધી
ગૌતમ અદાણીની સંપત્તિ 10 વર્ષમાં 30 ગણી વધી ગઈ છે. ભાજપની સંપત્તિ 150 કરોડથી વધીને 10,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, દરેક સંસ્થામાં RSSના પ્રચારકોને રાખવામાં આવી રહ્યા છે, જેથી વિચારસરણીને નિયંત્રિત કરી શકાય. જેમ કે -યુનિવર્સિટી, મીડિયા, ન્યાયતંત્ર અને સેનામાં.
