માત્ર એક માર્કથી વંચિત રહી ગયેલી જીપીએસસીની ઉમેદવારને હાઇકોર્ટની મોટી રાહત, કૌટિલ્યના અર્થશાસ્ત્રના જવાબને સાચો માની માર્ક આપવા આદેશ

Spread the love

જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં માત્ર એક માર્કના તફાવતને કારણે આગળના તબક્કાની પરીક્ષા માટે લાયક ન ઠરેલા ઉમેદવારને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગેના એક પ્રશ્નમાં ઉમેદવારનો જવાબ સાચો હોવાનું ઠરાવી હાઇકોર્ટે ગુજરાત જાહેર સેવા આયોગને એક માર્ક આપવાનો આદેશ કર્યો છે.કોર્ટે જણાવ્યું કે ઉમેદવારના જવાબને એનસીઈઆરટી અને જીસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનું સમર્થન મળે છે, જ્યારે જીપીએસસીએ પ્રશ્ન તૈયાર કરવા માટે જે સ્રોતનો આધાર લીધો હતો તે અપ્રમાણિત હતો.

 

આ વિવાદ ગયા વર્ષે યોજાયેલી જીપીએસસીની પરીક્ષાના પ્રશ્ન નંબર 147ને લઈને હતો. ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગે બે નિવેદનો સાચા છે કે નહીં તે નક્કી કરવા કહેવામાં આવ્યું હતું. પહેલું નિવેદન હતું કે આ પુસ્તક સંસ્કૃતમાં લખાયું છે અને બીજું કે તે અર્થશાસ્ત્ર અંગેનું પુસ્તક છે. ઉમેદવાર આરતી રંગપરિયાએ બંને નિવેદનો સાચાં ગણાવ્યાં હતાં.

 

જોકે, જીપીએસસીએ માત્ર પહેલું નિવેદન સાચું ગણાવ્યું હતું. આયોગનું કહેવું હતું કે અર્થશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્રમાં રાજકારણ અને વહીવટ જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. પરિણામે ઉમેદવારનો એક માર્ક કપાયો અને તે લાયકાતના કટ-ઓફથી એક માર્ક પાછળ રહી ગઈ.

 

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પ્રશ્ન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સ્રોત અંગે જીપીએસસીને વારંવાર સવાલ કર્યા હતા. આયોગે એક રાજકીય પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ અર્થશાસ્ત્રના 1915ના અનુવાદના પીડીએફ સંસ્કરણનો આધાર લીધો હતો. આ દસ્તાવેજ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નહોતો. કોર્ટના આદેશ છતાં જીપીએસસી મૂળ આવૃત્તિ પણ કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યું નહોતું.

 

બીજી તરફ, અરજદારના વકીલો મેઘા જાની અને મિત ઠક્કરે દલીલ કરી હતી કે ઉમેદવારનો જવાબ ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઈઆરટી) અને નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા નિર્ધારિત પાઠ્યપુસ્તકોને અનુરૂપ છે.

 

અરજી મંજૂર કરતાં ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈએ જણાવ્યું કે પ્રશ્ન માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પ્રમાણિત નહોતી. સાથે જ જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર અંગેનું પણ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેથી અરજદારનો જવાબ સાચો ગણવો જોઈએ.

 

હાઇકોર્ટે જીપીએસસીને ઉમેદવારનો જવાબ સાચો ગણી તેના ગુણની ફરી ગણતરી કરવા આદેશ આપ્યો છે. સુધારેલા ગુણના આધારે મળવાપાત્ર તમામ લાભ પણ આપવા આદેશ કરાયો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની આ આદેશ પર ચાર સપ્તાહની રોક મૂકવાની માગ પણ ફગાવી દીધી. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં એક બેઠક ખાલી રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *