રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિવસેને દિવસે વધતા જતા સાયબર ક્રાઈમનો હવે એક નિર્દોષ ગૃહિણી ભોગ બની છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ગૃહિણી નિમિષાબેન ઘેટીયાએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.દાગીના ગીરવે મૂકીને 2 Lakh ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતામળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક નિમિષાબેન છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવમાં હતા. પરિવારજનોની પૂછપરછ અને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક મહિલાએ આશરે 10 દિવસ પહેલાં પોતાના સોનાના દાગીના પર બેંક કે ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. આ લોન મેળવ્યા બાદ તેમણે તબક્કાવાર આશરે રૂપિયા 2,00,000 જેટલી રકમ કોઈ અજાણ્યા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.
‘ડિજિટલ એરેસ્ટ’ કે ઓનલાઈન ઠગાઈની આશંકામહિલાએ અચાનક સોનાના દાગીના ગીરવે મૂકીને અજાણ્યા સ્કેમર્સને આટલી મોટી રકમ કેમ મોકલી તે અંગે પરિવારજનોએ સાયબર ફ્રોડની આશંકા વ્યક્ત કરી છે. હાલના સમયમાં ‘ડિજિટલ એરેસ્ટ’, સીબીઆઈ કે પોલીસના નામે ખોટા કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પરિવારનું માનવું છે કે નિમિષાબેન પણ આવા જ કોઈ ભયાનક ઓનલાઈન સાયબર ફ્રોડ અથવા ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાયા હોવા જોઈએ, જેના ડર અને શર્મના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું.
ફોરેન્સિક PM માટે મૃતદેહ રાજકોટ મોકલાયોઆ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિટી B-ડિવિઝન પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને કબજે લીધો હતો. આત્મહત્યાનું ચોક્કસ કારણ અને કયા સંજોગોમાં મહિલાએ આ પગલું ભર્યું તે જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
મોબાઈલ ડિટેલ્સ અને બેંક એકાઉન્ટના આધારે તપાસ તેજગોંડલ સિટી B-ડિવિઝન પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતક પરિણીતાનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે. કયા નંબર પરથી કોલ આવ્યા હતા, કઈ એપ્લિકેશન કે લિંક દ્વારા વાતચીત થઈ હતી અને રૂપિયા 2,00,000ની રકમ કયા બેંક એકાઉન્ટ કે UPI ID માં ટ્રાન્સફર થઈ હતી તે તમામ ટેકનિકલ માહિતી અને સીડીઆર એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાયબર સેલની મદદથી આ કૌભાંડ આચરનારા ઠગબાજો સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે.
