મોરબીમાં રાકેશ ટીકૈતની સરકારને ચેતવણી! “ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો દેશભરમાં પડઘા પડશે”
મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે વીજલાઈનના વિરોધમાં ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈતે સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પડશે અને અન્ય રાજ્યના ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો ગુજરાતમાં તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ખેડૂતો સામે દમનકારી કાર્યવાહી થશે તો દેશના અલગ-અલગ રાજ્યોમાં આંદોલન ઉગ્ર બની શકે છે. મહાસભા પહેલાં રાકેશ ટીકૈત અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ યદુવીરસિંહ ચૌધરી સહિતના નેતાઓએ જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી ખેડૂત આંદોલનની છાવણીની મુલાકાત લીધી હતી અને આંદોલનકારી ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. વીજલાઈનના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે રાકેશ ટીકૈતના નિવેદનથી ગુજરાતના ખેડૂત આંદોલનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે.
