અમેરિકી સેનેટ દ્વારા રશિયા સામે રજૂ કરાયેલા નવા પ્રતિબંધોના બિલથી આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. આ બિલ હવે પ્રતિનિધિ ગૃહમાં પહોંચ્યું છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી મળ્યા બાદ તે સત્તાવાર કાયદો બની જશે.
ભારે ભરખમ ટેરિફ લાદવાની જોગવાઈ
આ પ્રસ્તાવિત કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત કરતા દેશો પર ભારે ભરખમ ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે.વિદેશી બાબતોના નિષ્ણાતોના મતે, જો આ બિલ કાયદાનું રૂપ લે છે, તો તે ભારત માટે આર્થિક મોરચે મોટો પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે આ કાયદો વેપાર ડેટાના આધારે રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના મુખ્ય આયાતકારોને નિશાન બનાવશે.
ટોચના આયાતકારો પર 100 ટકા ટેક્સની તૈયારી
નિષ્ણાત મહેશ સચદેવના જણાવ્યા અનુસાર, લિન્ડસે ગ્રેહામ બિલ હેઠળ રશિયન તેલના ટોચના આયાતકારો પર 100 ટકા સુધીનો વધારાનો કર લાદવાની જોગવાઈ છે. અગાઉ પણ ભારતીય આયાત પર ટેરિફને લઈને વિવાદ થયો હતો, પરંતુ આ વખતે કાયદાકીય પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા થઈ રહી હોવાથી તેને કાયદો બનતા અટકાવવો મુશ્કેલ છે. આ સ્થિતિમાં ભારતીય નિકાસકારો અને અમેરિકી આયાતકારો બંનેને મોટી અનિશ્ચિતતાનો સામનો કરવો પડશે. જોકે અગાઉ ૨૫ ટકા ટેરિફ છતાં નિકાસ ચાલુ રહી હતી, પરંતુ 100 ટકા ટેરિફની ધમકી ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટોને પણ ગંભીરરૂપે અસર કરી શકે છે.
ભારતીય ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલ મુજબ, જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર આકરી ડ્યુટી લાદે છે, તો તેની સૌથી માઠી અસર દેશના નિકાસ-આધારિત ક્ષેત્રો જેવા કે ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ), એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ (કાપડ) અને ઓટો પાર્ટ્સ પર પડશે. અમેરિકી બજારમાં ભારતીય ચીજવસ્તુઓ અચાનક અત્યંત મોંઘી થઈ જશે, જેના કારણે ત્યાં માંગમાં મોટો ઘટાડો નોંધાશે. પરિણામે, અમેરિકી ખરીદદારો અન્ય દેશોના વૈકલ્પિક સપ્લાયર્સ તરફ વળી શકે છે, જે ભારતીય વેપારીઓ માટે મોટું આર્થિક નુકસાન સર્જી શકે છે.
