અમિત રાય, મુંબઈ નાગપુર: વિદેશથી દાણચોરી કરીને ભારતમાં લાવવામાં આવેલું કરોડો રૂપિયાનું સોનું ટ્રેન મારફતે લઈ જવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરી છે. નાગપુર રેલવે સ્ટેશન પરથી એક મુસાફરની અટકાયત કરીને તેની પાસેથી 2.165 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત 3.09 કરોડ હોવાનું સામે આવ્યું છે.DRIને ગુપ્ત માહિતી મળી હતી કે ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી દાણચોરી કરીને લાવવામાં આવેલું સોનું ટ્રેન મારફતે દેશના અન્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. માહિતીમાં એ પણ જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ 12102 જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં સોનું લઈને મુસાફરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે DRI નાગપુરની ટીમે રેલવે સ્ટેશન પર નજર રાખી અને મુસાફરની ઓળખ કરી તેને અટકાવ્યો હતો.
16 સોનાના બાર મળતાં અધિકારીઓ પણ ચોંક્યા
મુસાફરની તપાસ દરમિયાન અધિકારીઓને છુપાવેલું સોનું મળી આવ્યું હતું. તપાસમાં કુલ 16 સોનાના બાર જપ્ત કરવામાં આવ્યા હતા. આ બારનું કુલ વજન 2.165 કિલો હોવાનું જાણવા મળ્યું છે. સોનાના બાર પર રહેલા કેટલાક ઓળખ ચિહ્નો પણ ભૂંસી નાખવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની ઓળખ અને મૂળ સ્ત્રોત છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
દાણચોરીના નેટવર્કની તપાસ શરૂ
DRIએ સોનું જપ્ત કરીને મુસાફરની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સોનું ભારત-બાંગ્લાદેશ સરહદ મારફતે ભારતમાં કેવી રીતે લાવવામાં આવ્યું અને તેને ટ્રેન દ્વારા ક્યાં પહોંચાડવાનું હતું, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે દાણચોરી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. 3.09 કરોડના સોનાની આ જપ્તીથી દાણચોરીના મોટા નેટવર્ક અંગે મહત્વની કડીઓ મળી શકે તેવી શક્યતા છે.
