સુરતના વિવાદીત નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અદાલતે સુરત મનપા અને રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી છે કે આ ડિમોલિશન પ્રાથમિક દ્રષ્ટિએ પૂર્વ આયોજિત લાગી રહ્યું છે અને જો ગરીબોના ઘર તોડવામાં આવ્યા છે, તો તેમને નવા મકાનો ફાળવવાની જવાબદારી તંત્રની છે.કોર્ટે સીધા સવાલો કર્યા છે કે નાના અધિકારીઓ સામે ત્વરિત પગલાં લેવામાં આવે છે, તો મોટા અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? સરકાર શા માટે મનપા કમિશનરને છાવરી રહી છે અને તેઓ હજુ સુધી આ પદ પર કેમ છે?
ભૂલની સજા સામાન્ય પ્રજા અથવા સરકારે શા માટે ભોગવવી જોઈએ?
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બેઘર થયેલા નાગરિકોની દયનીય સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુરત મનપા દેશમાં આર્થિક રીતે સૌથી સક્ષમ મહાનગરપાલિકા છે, તેમ છતાં બેઘર થયેલા ગરીબ લોકોએ કોર્ટમાં અરજી કરવા માટે શા માટે રૂ. 100 નો ખર્ચ પણ કરવો પડે? અધિકારીઓની બેજવાબદારી કે ભૂલની સજા સામાન્ય પ્રજા અથવા સરકારે શા માટે ભોગવવી જોઈએ? કોર્ટે આદેશ આપ્યો છે કે ડિમોલિશનની કાર્યવાહીનો આર્થિક ખર્ચ ગરીબો પાસેથી વસૂલવાને બદલે તેના માટે જવાબદાર દોષિત અધિકારીઓના પગારમાંથી વસૂલવામાં આવે.
હાઇકોર્ટે તંત્રની મનમાની સામે લાલ આંખ કરી
આ સમગ્ર મામલે હાઇકોર્ટે તંત્રની મનમાની સામે લાલ આંખ કરી છે, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. ગેરકાયદે કે અચાનક કરાયેલી આ કાર્યવાહીથી ઘરવિહોણા બનેલા લોકોને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટની આ કડક સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. અદાલતે સરકાર અને મનપા પાસે આ મામલે સંતોષકારક ખુલાસા અને તાત્કાલિક રાહતરૂપ પગલાં ભરવાની માંગ કરી છે.
