એમપીમાં 60 કલાકથી આફતનો વરસાદ જળબંબાકાર : ઘરોમાં 5 ફુટ પાણી ભરાયાં

Spread the love

ભોપાલ, તા. 11 મધ્ય પ્રદેશમાં ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમનાં કારણે છેલ્લાં 60 કલાકથી અવિરત વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભોપાલ અને ઉજ્જૈન ડિવિઝનમાં વરસાદે ભારે તારાજી સર્જી છે.

 

જેમાં રાજગઢના બ્યાવરામાં 24 કલાકમાં 9 ઇંચ અને પાટનગર ભોપાલમાં છેલ્લા બે દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે નદીઓ, નાળાં અને જળાશયો છલકાઈ ગયાં છે તથા અનેક નાના પુલો પાણીમાં ગરકાવ થઈ જતાં માર્ગ વ્યવહાર ઠપ થઈ ગયો છે.

 

વરસાદી તાંડવને કારણે રાજધાની ભોપાલના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. શહેરના 50થી વધુ વિસ્તારો જેવા કે સેમરા, શબરી નગર, અશોકા ગાર્ડન, કૈલાશ નગર અને વસુંધરા કોલોની સહિતનાં વિસ્તારોમાં 1000થી વધુ ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે.

 

પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરી પલળીને બરબાદ થઈ ગઈ છે અને અડધી કારો પાણીમાં ડૂબેલી નજરે પડે છે. આટલું જ નહીં, પૂરનાં પાણી સાથે ઘરોમાં ઝેરી સાપ ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

અશોકા ગાર્ડન પાસે આવેલા પાત્રા નાળાના ઉભરાવાથી સેમરા વિસ્તારના 250થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. મોડી રાત્રે ભોપાલ કલેક્ટર પ્રિયંક મિશ્રાએ પણ પૂરગ્રસ્ત ઈંટખેડી સહિતનાં વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો અંદાજ લીધો હતો.

 

રાજગઢ જિલ્લાનાં ખિલચીપુર (8 ઇંચ) અને જીરાપુર (7.7 ઇંચ)માં પણ જળબંબાકાર થયો છે, જ્યારે મંડલા જિલ્લામાં પાણીનાં ભારે પ્રવાહમાં એક યુવક તણાઈ ગયો હોવાનાં અહેવાલ છે.

 

રાયસેન જિલ્લામાં સાંચી રોડ પર આવેલ પગનેશ્વર અને જાખા બેતવા નદીનાં પુલ ડૂબી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જેને પગલે કલેક્ટર અરૂણકુમાર વિશ્વકર્માએ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.

 

નર્મદા નદીનું જળસ્તર 10 ફૂટ વધીને શેઠાણી ઘાટ પર 946.40 ફૂટે પહોંચી ગયું છે.હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી હોવાથી આગામી દિવસોમાં મધ્ય પ્રદેશમાં વરસાદનું જોર હજુ વધવાની શક્યતા છે, જેને પગલે તંત્ર દ્વારા ત્રણ સ્તરે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *