PTC પ્રવેશ પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ, 70 સંસ્થાઓની માન્યતા મુદ્દે તપાસની કરી માગ

Spread the love

ગુજરાતમાં PTC એટલે કે D.El.Ed પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ, રાજ્યની આશરે 70 એવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેની NCTE માન્યતા વર્ષો પહેલાં રદ થઈ ચૂકી હતી. જો આ દાવો સાચો હોય તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે માન્યતા વગરની સંસ્થાઓ પ્રવેશ પ્રક્રિયામાં કેવી રીતે સામેલ થઈ અને ત્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે મળ્યો?PTC પ્રવેશ પ્રક્રિયાને લઈને યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ

 

યુવરાજસિંહે રજૂ કરેલા દસ્તાવેજોમાં કેટલીક સંસ્થાઓની માન્યતા NCTE દ્વારા રદ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. અમદાવાદની શાહીબાગ સ્થિત બેસ્ટ પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજનું ઉદાહરણ આપતાં જણાવાયું છે કે સંચાલક ટ્રસ્ટે જાન્યુઆરી 2013માં સંસ્થા બંધ કરવાની વિનંતી કરી હતી અને ત્યારબાદ માર્ચ 2013માં એનસીટીઈ તરફથી માન્યતા રદ કરવામાં આવી હતી.

 

ભાવનગરની શ્રી સહજાનંદ પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ અંગે પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે, જ્યાં 2014માં માન્યતા રદ થયાનું જણાવાયું છે. આ સંસ્થાઓની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરાઈ હોવાનો પણ દાવો છે.

 

હાઈકોર્ટની કાર્યવાહીનો પણ ઉલ્લેખ

 

આ મામલે યુવરાજસિંહેગુજરાત હાઈકોર્ટમાં થયેલી અગાઉની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલીક સંસ્થાઓએ 2025 દરમિયાન કોર્ટમાં પોતે એનસીટીઈ માન્યતા ધરાવે છે તેવી રજૂઆત કરી હતી અને પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ યુવરાજસિંહનો આરોપ છે કે આ સંસ્થાઓની જૂની માન્યતા રદ થઈ ચૂકી હોવાની મહત્વની માહિતી કોર્ટ સમક્ષ સંપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી નહોતી. 30 માર્ચ 2026ના કોર્ટના આદેશનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે માન્યતા ક્યારે રદ થઈ હતી તે મુદ્દે નોંધ લેવામાં આવી હતી અને NCTEને કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ થયો હતો.

 

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ આધાર

 

યુવરાજસિંહે પોતાના રજૂઆતમાં શિક્ષક તાલીમ સંસ્થાઓની માન્યતા અંગે સુપ્રીમ કોર્ટના અગાઉના કેટલાક ચુકાદાઓનો આધાર લીધો છે. તેમના કહેવા પ્રમાણે, NCTEની માન્યતા વગરની સંસ્થામાંથી મેળવેલી શિક્ષક તાલીમની લાયકાતને લઈને ગંભીર કાનૂની પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેથી જો ખરેખર માન્યતા રદ થયેલી સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હોય તો માત્ર સંસ્થાઓની જવાબદારી નક્કી કરવી પૂરતી નથી, પરંતુ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે.

 

સરકાર સમક્ષ તપાસ અને વિદ્યાર્થીઓ માટે રાહતની માગ

 

આ મામલે યુવરાજસિંહ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ સરકાર પાસે તપાસ સહિત અનેક પગલાંની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, સમગ્ર મામલાની SIT અથવા ACB મારફતે તપાસ કરાવી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તે માટે તેમને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં વધારાની બેઠકો દ્વારા સમાવી લેવાની, લેવામાં આવેલી ફી પરત કરાવવાની અને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

 

જો આક્ષેપો અંગે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL અને રાજ્યવ્યાપી વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે સમગ્ર મામલે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ શું સ્પષ્ટતા કરે છે તેના પર નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *