બદલીના ખેલમાં ‘માનીતા’ કર્મચારીઓની બોલબાલા! 100 અરજીઓ પેન્ડિંગ, મનપસંદ સ્થળે પોસ્ટિંગના આક્ષેપો

Spread the love

કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા 11 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલા બદલી આદેશને લઈને શિક્ષણ વિભાગના કર્મચારીઓમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.

 

ગંભીર બીમારી, મેડિકલ કારણો, દિવ્યાંગતા તેમજ દંપતી કેસ જેવા વાજબી કારણો ધરાવતા કર્મચારીઓની અરજીઓને અવગણીને ચોક્કસ કર્મચારીઓને મનપસંદ સ્થળે બદલી અને ગોઠવણી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

 

જેના કારણે વર્ષોથી વતનથી દૂર ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.

 

મળતી માહિતી મુજબ, તાજેતરના 9 કર્મચારીઓની બદલી આદેશમાં અમદાવાદથી ગાંધીનગર ખાતે ત્રણ કર્મચારીઓને સમાવાયા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર આશરે 20 કિલોમીટર જેટલું જ હોવાથી આ બદલીને લઈને પણ કર્મચારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે.

 

બીજી તરફ જિલ્લાના અનેક કર્મચારીઓ એવા છે જેઓ પોતાના વતનથી 100થી 200 કિલોમીટર દૂર ફરજ બજાવી રહ્યા છે. ગંભીર બીમારીના કેસ ધરાવતા કર્મચારીઓ, પતિ-પત્ની બંને અલગ-અલગ સ્થળે ફરજ બજાવતા હોય તેમને એક જ સ્થળે નિમણૂંક આપવાના નિયમ હેઠળના દંપતી કેસ તેમજ દિવ્યાંગ કર્મચારીઓ લાંબા સમયથી બદલી માટે અરજીઓ કરી રહ્યા હોવા છતાં તેમની રજૂઆતો પર યોગ્ય વિચારણા થતી ન હોવાનો આક્ષેપ છે.

 

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, આવા વાજબી કારણો ધરાવતા કર્મચારીઓ વારંવાર કમિશનર શાળાઓની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતાં તેમની અરજીઓનું શું થયું તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. હાલમાં આશરે 100 જેટલી બદલી અરજીઓ પેન્ડિંગ હોવાનું પણ જાણવા મળે છે.

 

આ અરજીઓમાં મેડિકલ, દિવ્યાંગતા અને દંપતી કેસ સહિતના વિવિધ વાસ્તવિક કારણો ધરાવતા કર્મચારીઓનો સમાવેશ થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારે આવા કિસ્સાઓને પ્રાથમિકતા આપવાનો જીઆર કરેલો છે, જેનો પણ અમલ કરાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *