સિવિલમાં ચોરીનો ઝટકો, દર્દીઓના ઓપરેશન અટક્યા! સાધનોની ચોરીની ફરિયાદ 3 મહિના બાદ

Spread the love

ગાંધીનગરની સેક્ટર-12 સ્થિત 600 બેડની સિવિલ હૉસ્પિટલના ઓપરેશન થિયેટર નજીકથી ઓર્થોસ્કોપી સર્જરીમાં વપરાતા રૂપિયા 10.23 લાખના 19 અત્યાધુનિક મેડિકલ સાધનો ચોરી થયાની સત્તાવાર ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્રણ મહિના સુધી આંતરિક તપાસ ચાલ્યા બાદ સિવિલ તંત્રે આખરે સાધનો ચોરી થયાનું સ્વીકાર્યું હતું.

 

ગાંધીનગરની સેક્ટર-12 સ્થિત 600 બેડની સિવિલ હૉસ્પિટલના પાંચમા માળે આવેલા ઓપરેશન થિયેટર નજીકથી જૂન મહિનામાં ઓર્થોસ્કોપી સર્જરી માટે વપરાતા રૂપિયા 10.23 લાખના 19 અત્યાધુનિક મેડિકલ સાધનો ચોરી થયાની ઘટના સામે આવી છે.

 

આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડો. વિપુલાબેન દુષ્યંતભાઈ પંડ્યાએ અજાણ્યા શખ્સ સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. 12 જૂન 2026ના રોજ સવારે દુરબીન પદ્ધતિથી ખભાની સર્જરી કરવામાં આવી હતી.

 

સર્જરી પૂર્ણ થયા બાદ સ્ટાફ નર્સે 19 ઓર્થોસ્કોપી ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત કુલ 34 સાધનો પેક કરીને ETO/પ્લાઝમા સ્ટરિલાઈઝેશન માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સાંજે આશરે 7:50 વાગ્યે હોસ્પિટલનો સર્વન્ટ સ્ટાફ આ સાધનો ભરેલી બેગ લઈને પાંચમા માળે આવેલા C.S.S.D. વિભાગમાં પહોંચ્યો હતો.

 

તે સમયે રાત્રિ ફરજ પરના ટેકનિશિયન હાજર ન હોવાથી સ્ટાફ સાધનો ઓટોક્લેવ રૂમની બહાર મૂકીને પરત ફર્યો હતો. ત્યાર બાદ 17 જૂનના રોજ સવારે ફરી ઓપરેશન માટે સાધનોની જરૂર પડતાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે ETO પ્રક્રિયા માટે મોકલેલા 19 કીમતી સાધનો ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

 

ચોરાયેલાં સાધનોમાં શાવર હેન્ડ પીસ, સ્યુચર કટર, મોટર ડ્રાઇવ યુનિટ, આર્થ્રોપિયર્સ અને વિવિધ પ્રકારના કેનુલાનો સમાવેશ થાય છે.

 

સમગ્ર ઘટનાના સમાચાર પ્રકાશિત થયા બાદ હૉસ્પિટલ તંત્રે આંતરિક તપાસ કમિટી બનાવી હતી. જોકે કમિટીએ ત્રણ મહિના સુધી તપાસ કર્યા બાદ સાધનો ચોરી થયાની પુષ્ટિ કરતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાધનો ચોરાયા બાદથી આજ સુધી ઓર્થોસ્કોપી સર્જરી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *