પગાર સરકારી, સંપત્તિ કરોડોની! 24 બેંક ખાતાંમાં નાણાંનો ખેલ, કેતકી વ્યાસ પર ACBનો કડક પ્રહાર

Spread the love

આણંદના તત્કાલીન કલેકટરના હનીટ્રેપ કેસથી વિવાદમાં આવેલા પૂર્વ રેસિડેન્ટ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદથી ધરપકડ કરવામાં આવી.હનીટ્રેપ કેસ બાદ મહિલા અધિકારીની મિલકતની તપાસ કરાતા આવક કરતા રૂ. 3.56 કરોડની વધુ મિલકત મળી આવતા એસીબીએ ગુનો નોંધ્યો હતો.

 

કેતકી વ્યાસે મોટાભાગની અપ્રમાણસર મિલકત તેના માતાપિતાના નામે વસાવી હોવાનો ખુલાસો થયો. માતાપિતા કર્મકાંડના કામ સાથે સંકળાયેલા હોવા છતા તેમના નામે કરોડો રૂપિયાની સંપતિ વસાવવામાં આવી. મહિલાના પતિ ભાસ્કર વ્યાસ પોરબંદરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.

 

ACBએ રિમાન્ડ ન માંગતા કેતકી વ્યાસ જેલ હવાલે કેતકી વ્યાસને અમદાવાદ ભદ્ર કોર્ટ ખાતે આવેલી ACB ની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ACB દ્વારા રિમાન્ડ ન માંગતા કોર્ટે તેમને જેલના હવાલે મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે આરોપી આગામી દિવસોમાં જામીન માટે અરજી કરે તેવી શક્યતાઓ છે.

પૂર્વ RAC કેતકી વ્યાસે આવક કરતા 3.56 કરોડની વધુ મિલકત વસાવી

 

આણંદના તત્કાલીન રેસિડન્ટ એડિશ્નલ કલેકટર(RAC) કેતકી વ્યાસે અપ્રમાણસર મિલકત વસાવી હોવાની 2023માં અરજી થયા બાદ એસીબીએ તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે મહિલા અધિકારીએ પગારની આવક કરતા રૂ. 3.56 કરોડની વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો થતા એસીબીએ ગુનો નોંધ્યો હતો. જેની સામે કેતકીએ આગોતરા જામીન અરજી કરતા સેશન્સ અને હાઈકોર્ટે નકારી હતી.

અમદાવાદના શેલામાં બહેનના ઘરેથી ધરપકડ આગોતરા જામીન અરજી રદ થયા બાદ કેતકી વ્યાસ એસીબી સમક્ષ હાજર થાય ન હતા. જેથી એસીબીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદ લેતા અમદાવાદના શેલામાં તેમના બહેનના ઘરેથી મળી આવ્યા હતા.

 

કેતકીએ મોટાભાગની મિલકત પોતાના માતાપિતાના નામે વસાવી

 

એસીબીની તપાસમાં સામે આવ્યું કે, મહિલા અધિકારીની જે અપ્રમાણસર મિલકત મળી આવી છે તેમાંની મોટાભાગની મિલકત વિરમગામમાં રહેતા તેના માતાપિતાના નામે છે. માતાપિતા કર્મકાંડના કામ અને બુકસ્ટોલ સાથે જોડાયેલા હોવા છતા તેમના નામે કરોડો રૂપિયાની મિલકત વસાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.કેતકી વ્યાસની ચીફ ઓફિસરથી લઈ રેસિડેન્ટ અધિક કલેકટર સુધીની કારકિર્દી

 

કેતકી વ્યાસની સરકારી કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં મામલતદાર અને આગળ જતા નાયબ મામલતદારથી લઈને એડિશનલ કલેક્ટર સુધીના પ્રમોશન મેળવ્યા હતા. જોકે, હોદ્દા સાથે તેમણે પગારની આવક સામે જમીન, મકાન અને વાહનોનું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. કેતકી વ્યાસના પતિ પણ ભાસ્કર વ્યાસ પોલીસ વિભાગમાં છે અને પોરબંદર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ઓગસ્ટ 2023માં આણંદનો મામલો ચર્ચામાં આવ્યો હતો

 

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીના વીડિયોકાંડમાં તત્કાલીન એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. 1 નવેમ્બર 2021થી 9 ઓગસ્ટ 2023 સુધી કેતકી વ્યાસ આણંદના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન નાયબ મામલતદાર જયેશ પટેલ અને તત્કાલીન ચિટનીસ ટુ કલેક્ટર અને ખાનગી વ્યક્તિ હરીશ ચાવડા સાથે મળી ડી.એસ. ગઢવીની વિરુદ્ધમાં કાવતરું ઘડી સ્પાય કેમેરા ગોઠવ્યા હતા.

 

એક પરિચિત મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હનીટ્રેપ ગોઠવી કલેક્ટરનો મહિલા સાથેનો વીડિયો બનાવી દીધો હતો. આ વીડિયો ફૂટેજ કલેક્ટર ગઢવીને બતાવી તેમની પાસે વિવાદિત જમીનોની ફાઈલ ક્લિયર કરાવવા ધમકી આપી હતી. આ વીડિયો ફરતો કરી દેતાં કેતકી વ્યાસ સહિત 3 સામે આણંદમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. ધરપકડ કરાયાને 48 કલાક થતાં નિયમ મુજબ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા.

હનીટ્રેપ વિવાદ બાદ બિનહિસાબી સંપત્તિનો કેસ સામે આવ્યો

 

હનીટ્રેપ વિવાદ બાદ ACBએ તેની સંપત્તિની તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે 2012થી 2023 દરમિયાન પોતાની કાયદેસરની આવક કરતાં 68.84% વધુ (આશરે 3.56 કરોડની) બિનહિસાબી સંપત્તિ વસાવી હતી. આ કેસમાં કેતકી વ્યાસ ઘણા સમયથી ફરાર હતા અને હાઈકોર્ટે પણ તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અંતે 12 ઓગસ્ટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી આગળની તપાસ માટે ACBને સોંપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *