ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં આજે (13 ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. પ્લાન્ટમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
કલોક-ગાંધીનગરની ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી ઘટનાની ગંભીરતા જોઈ કલોલ અને ગાંધીનગરથી ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. સુરક્ષાના પગલારૂપે પ્લાન્ટ આસપાસનો વિસ્તાર ખાલી કરાવી કલોલ-માણસા હાઈવે પરના વાહનવ્યવહારને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
કારણ અકબંધ, નુકસાનનો અંદાજ મેળવવા તપાસ બનાવની જાણ થતાં જ ONGCના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને ONGCની ટેકનિકલ ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તથા મશીનરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
