ગાંધીનગરના અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી ચોરી: 7.16 લાખના કોપર વાયરો ગાયબ, અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલગાંધીનગરના સેક્ટર-25માં અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી તસ્કરો અંદાજે ₹ 7.16 લાખથી વધુની કિંમતના કૉપર કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. આ સમગ્ર મામલે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા સેક્ટર-21 પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી
સેક્ટર-25 સ્થિત અમૂલ ફેડ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાં છેલ્લા આઠેક વર્ષથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અજીતકુમાર કાંતીલાલ રાણાએ ફરિયાદ નોંધાવી છે. તેમના પ્લાન્ટમાં આયાત કરાયેલા કૉપર કેબલ વાયર કમ્પાઉન્ડમાં અલગ-અલગ ત્રણ ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. આ કેબલ વાયરોને ગાંધીનગરની મુખ્ય ડેરી ભાટ ખાતે મોકલવાના હોવાથી પ્લાન્ટ પરિસરમાં રાખવામાં આવ્યા હતા.7 ઑગસ્ટે ડ્રમ ચેક કરતા વાયરો ન હતા
31 જુલાઈ, 2026ના રોજ સાંજે પ્લાન્ટના કમ્પાઉન્ડમાં3 મોટા ડ્રમમાં કૉપર વાયર સુરક્ષિત પડ્યા હતા. બાદમાં 7 ઓગસ્ટના રોજ સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં આ કેબલ વાયરને ભાટ ખાતે રવાના કરવા કોન્ટ્રાક્ટર સાથે ડ્રમની ચકાસણી કરવામાં આવી ત્યારે ત્રણેય ડ્રમ સંપૂર્ણપણે ખાલી હાલતમાં મળી આવ્યા હતા.
સ્ટાફ, કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવી આ મામલે જાણ થતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ચોરીની શંકા જતાં અધિકારીઓએ કંપનીના સ્ટાફ તથા સંબંધિત કોન્ટ્રાક્ટરોના માણસોની પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ નક્કર માહિતી મળી શકી ન હતી. આખરે ઉચ્ચ કચેરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા બાદ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
