જન્મદિવસે જ મોત મળ્યુંઃ બેડી પાસે ચેકડેમમાં ડૂબતા એક જ પરિવારના ચારના મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Spread the love

રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક ચેકડેમમાં ન્હાવા પડેલા ત્રણ બાળક અને એક યુવાન સહિત ચારના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં કરૂણતા એ છે કે, એક બાળકનો આજે જ જન્મદિવસ હતો. જન્મદિવસ જ મરણ દિવસ બની જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ચારેયના મૃતદેહો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.મૃતકમાં સગા ભાઈઓ સોહન અભેસોરા (ઉં.વ. 10) અને સેફુ અભેસોરા (ઉં.વ.5) ઉપરાંત સાહિલ અભેસોરા (ઉં.વ.18) અને અલીફા અભેસોરા (ઉ.વ.10 વર્ષ)નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનામાં દુઃખદ બાબત એ સામે આવી છે કે મૃતક સોહનનો આજે જ જન્મદિવસ હતો, જે દિવસે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

 

સોહન અને સેફુના પિતા સાજિદભાઈ વેપારી છે. રાજકોટમાં પુનિતના ટાંકા પાસે ખોડિયારનગરમાં દુકાન ચલાવ છે. જ્યારે સાહિલ અને અલીફા જૂના રોણકી ગામ ખાતે રહે છે.

 

એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે. જેમાં બેડી ગામની સીમમાં આવેલી વીડી પીર દરગાહે 10 વર્ષના સોહન નામના બાળકના જન્મદિવસ નિમિત્તે પરિવાર અને બાળકો દર્શન અને જમવા ગયા હતા. ત્યારબાદ તળાવમાં નાહવા પડ્યા હતા. જ્યાં બાળકોને ડૂબતા જોઈને યુવક તેમને બચાવવા પડ્યો હતો, પરંતુ તે પણ તળાવમાં ડૂબી ગયો હતો.

 

ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ડૂબેલા તમામ બાળકો અને યુવાનને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાહિલને સિવિલ હોસ્પિટલમાં અને જ્યારે બાકી ત્રણેયને ઝનાના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચારેયને મૃત જાહેર કરાયા છે. ઝનાના હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું.

 

એકસાથે ઘરના ચાર-ચાર દીવડા બુઝાઈ જતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે. ખુલ્લા જળાશયો કે ચેકડેમમાં નાહવા જતી વખતે થતા અકસ્માતોએ ફરી એકવાર માસૂમ જીવોનો બલિ લીધો છે. પોલીસ વિભાગ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ તથા આગળની કાનૂની કાર્યવાહી માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ અને આસપાસના લોકોના મોટા ટોળાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ કેમ્પસમાં પરિવારજનોના હૈયાફાટ રૂદન અને આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *