Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ

Spread the love

અમદાવાદ શહેરમાંથી નશાના કારોબારને નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત દાણીલીમડા વિસ્તારમાં એક મોટી સફળતા મળી છે. દાણીલીમડા બીઆરટીએસ (BRTS) બસ વર્કશોપની ગલીમાં આવેલા ચિરાગ પાર્ક-2 નજીક ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 80 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો, જેની બજાર કિંમત રૂ.8 લાખથી વધુ આંકવામાં આવી રહી છે.

 

અમદાવાદ ક્રાઈમ મોટી કાર્યવાહી

 

પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સના છૂટક વેચાણ અને હેરાફેરીમાં સંકળાયેલા બે પેડલરો મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને યાસીન અરફાત અન્સારી ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, દાણીલીમડામાં સલીમભાઈ દૂધવાળાની બિલ્ડિંગ જે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી, તે જર્જરિત અને સુમસામ જગ્યાનો ઉપયોગ અસામાજિક તત્વો અને નશાના સોદાગરો અડ્ડા તરીકે કરતા હતા.

 

મુખ્ય સપ્લાયર નફીસ શેખ ફરાર

 

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં નફીસ શેખ નામના મુખ્ય આરોપીનું નામ સામે આવ્યું છે. નફીસ બોમ્બે હોટલ અને દાણીલીમડા વિસ્તારમાં ડ્રગ કેરિયર તરીકે કામ કરી છૂટક વેચાણ કરાવતો હતો.ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની વિધિવત ધરપકડ કરી છે.આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં અન્ય કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.ફરાર આરોપી નફીસ શેખને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટુકડીઓ બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *