શહેરમાં AMC કર્મચારીની ખોટી ઓળખ આપીને BSNLના કોપર વાયર ચોરી કરતી હાઈટેક ગેંગનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેંગના સભ્યો AMCના રેડિયમ જેકેટ પહેરી ક્રેનની મદદથી રોડ પર આવેલા BSNLના ડક્ટ ખોલી કોપર વાયરની ચોરી કરતા હતા.
કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓ રોડ પર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હોવાનો દેખાવ પણ કરતા હતા.જાહેરમાં જ BSNLના ડક્ટ તોડી કોપર વાયર કાઢીને ચોરી કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં ગેંગે આશરે 7 લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
વાસણા પોલીસે ગેંગને રંગેહાથ ઝડપી રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગમાં 8થી વધુ લોકો સંડોવાયેલા છે. હાલ પોલીસે અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
