વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં વીજ કરંટ લાગવાથી સગા ભાઈ-બહેનના મોતની કરુણ ઘટના સામે આવી છે. મુજપુરના રેલાઈપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, ભાઈ-બહેન મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકોમાં મિતલબેન બળવંતસિંહ પઢીયાર (ઉંમર 22 વર્ષ) અને તેમના ભાઈ જયદીપભાઈ બળવંતભાઈ પઢીયારનો સમાવેશ થાય છે. બંને સગા ભાઈ-બહેન હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં બંને મૃતદેહને પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અહીં જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરિવારજનોમાં આક્રંદ
વીજ કરંટ કયા સંજોગોમાં લાગ્યો અને ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મંદિરે દર્શન કરવા જતાં ભાઈ-બહેન સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. એકસાથે બે સંતાનો ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.