Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Spread the love

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક હર્ષ પંડ્યાના પિતાએ પુત્રને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ 4 સિનિયર તબીબો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની બીજી સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મૃતક તબીબના પિતાની ફરિયાદના આધારે ડૉ.નિરાલી વસાવે, ડૉ. દીક્ષિતા ગેવરિયા, ડૉ. હીના ભૂત અને ડૉ. અનુજ મહેશ્વરી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ કેસમાં પ્રથમ ફરિયાદની તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને બે તબીબોના નિવેદન નોંધવાના બાકી છે, ત્યાં જ આ બીજી ગંભીર ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયા બાદ હવે આરોપી ચારેય સિનિયર તબીબોની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતા સેવાઈ રહી છે.

 

…સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

 

એન્ટી રેગિંગ કમિટીએ VNSGUને રિપોર્ટ સોંપ્યો

 

ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રેગિંગના આક્ષેપોને લઈને એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. 12 ઓગસ્ટે સાંજે કમિટીએ તૈયાર કરેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ સત્તાવાર રીતે VNSGUને સુપરત કર્યો હતો. રિપોર્ટમાં રેગિંગ અને માનસિક ત્રાસને લઈને મહત્વની વિગતો સામે આવી હોવાની ચર્ચા છે. રિપોર્ટના આધારે હવે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થશે કે નહીં તેના પર સૌની નજર છે.

 

HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

 

તપાસ કમિટી સમક્ષ 30 જેટલા રેસિડેન્ટ તબીબોએ હાજર થઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જુનિયર તબીબોએ કમિટીને જણાવ્યું હતું કે સિનિયરો દ્વારા આચરવામાં આવતા અસહ્ય ત્રાસ અને રેગિંગથી તેઓ કંટાળી ગયા હતા. જો લાખો રૂપિયાના બોન્ડ ભરવાની મર્યાદા ન હોત, તો તેમણે ક્યારનોય આ વિભાગ છોડી દીધો હોત.

 

મૃતક ડૉ. હર્ષ પંડ્યા સહિતના જુનિયર તબીબો સિનિયરોની હેરાનગતિ અંગે વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને ફરિયાદ કરવા પણ ગયા હતા, પરંતુ ડૉ. સુમૈયા તેમને મળ્યા જ નહોતા. સિનિયરો અને HODના આંખ મીચામણાને કારણે જ આ હોનારત સર્જાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ પણ ડીન અને પ્રોફેસરને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા હતા. હાલની સ્થિતિએ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે કડક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *