અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને ઓનલાઈન પરેશાન કરનારા 8 આરોપીઓને ઝડપ્યા, ફેક પ્રોફાઇલ બનાવી 300 મહિલાઓને નિશાન બનાવ્યાનો ખુલાસો

Spread the love

મિશન સાયબર રક્ષિકા’ હેઠળ કાર્યવાહી; મહિલાઓને નગ્ન તસવીરો, વાંધાજનક ઓડિયો ફાઇલો અને અશ્લીલ મેસેજ મોકલતા હતા

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ અને ઓળખની ચોરીના આરોપમાં એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી તાજેતરમાં શરૂ કરાયેલા ‘મિશન સાયબર રક્ષિકા’ હેઠળ કરવામાં આવી છે.પોલીસની વિશેષ ટીમોએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં આરોપીઓની શોધખોળ કરીને તેમને ઝડપી પાડ્યા હતા.

 

પોલીસના જણાવ્યા મુજબ,અનેક મહિલાઓએ સાયબર ક્રાઇમ યુનિટનો સંપર્ક કરીને ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ, વાંધાજનક મીડિયા મેસેજ, ઓળખની ચોરી અને સાયબર બુલિંગ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ફરિયાદ કરી હતી.

 

મહિલા પોલીસ અધિકારીઓએ પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેમની ફરિયાદોના આધારે 11 અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ કરનાર મહિલાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યારબાદ કરવામાં આવેલા વિગતવાર ટેક્નિકલ વિશ્લેષણના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓ ખાસ કરીને જાહેર સોશિયલ મીડિયા પ્રોફાઇલ ધરાવતી મહિલાઓને નિશાન બનાવતા હતા.

 

તપાસ દરમિયાન ઓનલાઈન હેરાનગતિ માટે આરોપીઓ દ્વારા અપનાવવામાં આવતી વિવિધ રીતોનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી સુરેશ પુરીએ માત્ર 6 મહિનામાં 10 ફેક આઈડી બનાવી હતી. આ આઈડી મારફતે તેણે લગભગ 300 મહિલાઓને નિશાન બનાવી હતી. તે મહિલાઓને નગ્ન તસવીરો, વાંધાજનક ઓડિયો ફાઇલો અને અશ્લીલ મેસેજ મોકલતો હતો.

 

અન્ય આરોપી કેયુર લક્કરે મહિલાના નામે 8 ફેક પ્રોફાઇલ બનાવી હતી. આ પ્રોફાઇલનો ઉપયોગ જાહેર સોશિયલ મીડિયા પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની મહિલા મિત્રોને સંપર્ક કરવા માટે કરવામાં આવતો હતો.

 

પોલીસના જણાવ્યા મુજબ, આ જ મિશન હેઠળ અગાઉ કરવામાં આવેલી કાર્યવાહીમાં રાજસ્થાન અને દિલ્હીમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસોમાં કેટલાક આરોપીઓ ઓનલાઈન ગુરુ તરીકે ઓળખ આપતા હતા, જ્યારે કેટલાકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મહિલાઓની ડીપફેક નગ્ન તસવીરો બનાવીને ખંડણી વસૂલવાનો પ્રયાસ કર્યો હતો.

 

સાયબર ક્રાઇમ બ્રાન્ચે માત્ર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક પોસ્ટ અને એકાઉન્ટ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

 

પોલીસે ફરી સ્પષ્ટ કર્યું છે કે સાયબર હેરાનગતિ અંગે ફરિયાદ કરનાર તમામ મહિલાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. મહિલાઓને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ મળે તે માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *