ઈમરજન્સી સેવા ૧૧૨ અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો
*તમામ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા*
…..
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે આજે પોલીસ ભવન ખાતેથી કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ઈમરજન્સી સેવા ૧૧૨ અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 ની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ ઓફ-રોડ થયેલા વાહનોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં ૧૧૨ સ્ટાફની યોગ્ય હાજરી અને રજા મંજૂરી પ્રક્રિયા દરમિયાન કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન જાળવવા પર પણ ભાર મુકાયો હતો.
નાગરિકોને કોઈપણ આપાતકાલીન કે મુશ્કેલીના સમયે ઝડપી, સક્ષમ અને સમયસર પોલીસ સહાય મળી રહે તે ઉદ્દેશ સાથે પોલીસ વાહનોનો રિસ્પોન્સ ટાઈમ વધુમાં વધુ ઘટે અને કટોકટીના સમયે નાગરિકોને ત્વરિત સહાય મળે તે માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા તેમજ જરૂરી સુધારાત્મક પગલાં ભરવા રાજ્ય પોલીસ વડાશ્રીએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
