વર્તમાન તથા પૂર્વ સાંસદો/ધારાસભ્યો વિરુદ્ધ ગુનાહિત કેસોની સુનાવણી ઝડપથી કરવા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી દરમિયાન ચોંકાવનારી વાત સામે આવી છે. સુનાવણી દરમિયાન એમિક્સ ક્યુરી તથા વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 28 રાજ્યોમાંથી 14 પ્રદેશોના મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે અને આ યાદીમાં તેલંગણાના મુખ્યમંત્રી રેવનાથ રેડ્ડી ટોપ પર છે.રેડ્ડી પર 89 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
સુવેંદુ અધિકારી વિરુદ્ધ 29 કેસ
રિપોર્ટ પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી વિરુદ્ધ 29 મામલા છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વિરુદ્ધ 19, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ વિરુદ્ધ 19 અને કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીષન વિરુદ્ધ 18 કેસ નોંધાયેલા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ 5, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ 4 અને હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સામે 4 કેસ છે. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય અને બિહારના CM સમ્રાટ ચૌધરી વિરુદ્ધ 2-2 કેસ છે. તો સિક્કિમના પી.એસ. તમાંગ, પંજાબના ભગવંત માન, ઓડિશાના મોહન ચરણ માંઝી અને રાજસ્થાનના ભજનલાલ શર્મા વિરુદ્ધ એક-એક મામલો છે.
બંગાળના MLAs પર સૌથી વધુ ગંભીર ક્રિમિનલ કેસ
રિપોર્ટ અનુસાર ગંભીર ક્રિમિનલ કેસવાળા સૌથી વધુ ધારાસભ્યો પશ્ચિમ બંગાગળમાં છે, જ્યાં 292માંથી 170 ધારાસભ્ય એટલે કે 58 ટકા વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસો છે. ત્યારબાદ કેરળમાં 57 ટકા, આંધ્ર પ્રદેશમાં 56 ટકા, તેલંગણામાં 49 ટકા, ઝારખંડ અને ઓડિશામાં 45-45 ટકા તથા બિહારમાં 42 ટકા ધારાસભ્યો આવા કેસનો સામનો કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 40 ટકા છે. આ જાણકારી એમિક્સ ક્યુરી દ્વારા દાખલ કરવામાં આવેલા 96 પાનાના રિપોર્ટમાં સામે આવી છે.
BJPના યુવા મોરચાના અધ્યક્ષ બન્યા ગુજરાતના સાંસદ, જાણો કોણ છે હેમાંગ જોશી
લોકસભામાં 170 સાંસદો પર કેસ
લોકસભામાં 170 સાંસદ એટલે કે 543 ની કુલ સંખ્યાના 31 ટકા આવા ગંભીર ગુનાહિત મામલાનો સામનો કરી રહ્યાં છે. તેલંગણામાં 17માંથી 11 સાંસદો વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસો છે. કેરળમાં 21માંથી 11, બિહારમાં 19 અને ઉત્તર પ્રદેશમાં 34 સાંસદો આવા કેસનો સામનો કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 48માંથી 17, પશ્ચિમ બંગાળમાં 42માંથી 16 અને આંધ્ર પ્રદેશમાં 25માંથી 9 સાંસદો વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.
કુલ 4192 ક્રિમિનલ કેસ પેન્ડિંગ
હંસારિયાએ જણાવ્યું કે જુલાઈ 2026 સુધી વર્તમાનઅને પૂર્વ સાંસદો તથા ધારાસભ્યો વિરુદ્ધ કુલ 4192 ક્રિમિનલ કેસની સુનાવણી પેન્ડિંગ છે. તેમાં સૌથી વધુ 1171 કેસ ઉત્તર પ્રદેશમાં પેન્ડિંગ છે. રાજ્યસભામાં 233 સભ્યોમાંથી 75 એટકે કે 33 ટકા વિરુદ્ધ ગુનાહિત મામલા છે. તેમાંથી 40 સભ્યો એટલે કે 18 ટકા એવા મામલાનો સામનો કરી રહ્યાં છે, જેમાં પાંચ કે તેનાથી વધુ વર્ષની સજાની જોગવાઈ છે.
વિશેષ કોર્ટની રચના કરવાની માગ
વકીલ સ્નેહા કલિતાના માધ્યમથી દાખલ એમિક્સ ક્યુરીના રિપોર્ટમાં કોર્ટ પાસે માગ કરવામાં આવી છે કે વર્તમાન અને પૂર્વ સાંસદો તથા ધારાસભ્યો વિરુદ્ધ મામલાની સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરવામાં આવે. સાથે સંબંધિત હાઈકોર્ટને આ કેસની સુનાવણીની પ્રગતિની સક્રિય રૂપથી નજર રાખવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
