કરાચી, તા. 18 પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારની વાંધા અરજીઓને ફગાવીને પૂર્વ પીએમ ઈમરાન ખાનને રાવલપિંડીની અડિયાલા જેલમાંથી ઈસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમને 48 કલાકની અંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવે, જ્યાં તેઓ 16 સપ્ટેમ્બર સુધી સારવાર હેઠળ રહેશે. આ સિવાય તેમની તપાસ માટે એક મેડિકલ બોર્ડ પણ રચવામાં આવશે, જેમાં તેમનાં સગાંઓ અને અંગત તબીબોનો સમાવેશ થશે.આ અગાઉ જેલ પ્રશાસને ઈમરાન ખાનની આંખોની દૃષ્ટિ સુધરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમની પાર્ટી અને પરિવારે આ વાતને નકારી કાઢી હતી. કોર્ટમાં રજૂ કરાયેલાં મેડિકલ રિપોર્ટ અનુસાર ઈમરાન ખાનનું બ્લડ પ્રેશર 140/80 નોંધાયું છે, ધબકારા અનિયમિત છે અને તેઓ ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યાં છે. થોડા સમય પહેલાં જ તેમનાં વકીલે ખુલાસો કર્યો હતો કે ખાન તેમની જમણી આંખની 85 ટકા દૃષ્ટિ ગુમાવી ચૂક્યાં છે.
ઈમરાન ખાનનાં પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમને જેલમાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં અને સંપૂર્ણપણે એકલવાયા (આઈસોલેશન) રાખવામાં આવ્યા છે. તેમનાં પુત્રો અને બહેને મીડિયાને જણાવ્યું હતું કે જેલમાં તેમને યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ તેમના સમર્થકો અને પરિવારમાં રાહત જોવા મળી છે.
