ફાંસીની જગ્યાએ મોતનું ઈન્જેક્શન આપવાની માગ પર સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય

Spread the love

ભારતમાં મૃત્યુદંડની સજા આપવાની પદ્ધતિને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શન સહિતની અન્ય પદ્ધતિ અપનાવવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે હાલ ભારતમાં મૃત્યુદંડની સજા માટે ફાંસીની પદ્ધતિને યથાવત રાખી છે.

ફાંસી (Hanging)ની પદ્ધતિ બદલવાની અરજી કોર્ટે ફગાવીજસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે (Death Penalty) મૃત્યુદંડની અમલવારી માટે ફાંસીની જગ્યાએ વૈકલ્પિક પદ્ધતિ અપનાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં ફાંસીને કથિત રીતે વધુ પીડાદાયક ગણાવીને ઘાતક ઈન્જેક્શન (Lethal Injection), ગોળી મારવી અથવા વીજ કરંટ જેવી પદ્ધતિઓ પર વિચાર કરવાની માગ કરવામાં આવી હતી.

 

1983ના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

 

સુપ્રીમ કોર્ટે (Supreme Court)અગાઉના 1983ના નિર્ણયને મોટી બેન્ચ સમક્ષ પુનર્વિચાર માટે મોકલવાની માગ પણ સ્વીકારી નથી. કોર્ટે જણાવ્યું કે હાલના તબક્કે અગાઉના નિર્ણય પર પુનર્વિચાર કરવાની પૂરતી જરૂરિયાત દેખાતી નથી.

 

ભવિષ્યમાં વૈજ્ઞાનિક પુરાવા મળે તો થઈ શકે સમીક્ષા

 

જોકે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ભવિષ્યનો રસ્તો સંપૂર્ણપણે બંધ કર્યો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ભવિષ્યમાં કોઈ વૈજ્ઞાનિક અથવા તબીબી પુરાવા સામે આવે અને તે સાબિત કરે કે કોઈ વૈકલ્પિક પદ્ધતિ ઓછી પીડાદાયક તથા વધુ માનવીય છે, તો આ મુદ્દા પર ફરી વિચાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર ઇચ્છે તો આ અંગે નિષ્ણાતોની સમિતિ પણ બનાવી શકે છે.

 

મૃત્યુદંડ અને તેની અમલવારી વચ્ચેનો તફાવત

 

આ કેસમાં સવાલ મૃત્યુદંડની સજા નાબૂદ કરવાનો નહોતો, પરંતુ મૃત્યુદંડની સજા કઈ પદ્ધતિથી અમલમાં મૂકવી તે અંગે હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભારતમાં ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવાની હાલની કાનૂની વ્યવસ્થા યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *