અનેક દાયકાઓની શોધખોળના અંતે બ્રિટિશ સંશોધકોએ ૪૦૦ વર્ષ પહેલાં ડૂબી ગયેલા એક શાહી જહાજને શોધી કાઢ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો ખજાનો હોવાનો અંદાજ છે. એક અહેવાલ મુજબ, બ્લેસિંગ ઓફ બર્નટ આઈલેન્ડ નામનું આ જહાજ જુલાઈ ૧૬૩૩માં રાજા ચાર્લ્સ પ્રથમના રાજ્યાભિષેક પ્રવાસ દરમિયાન સ્કોટલેન્ડ નજીક ફર્થ ઓફ ફોર્થમાં ડૂબી ગયું હતું. જેમાં ડઝનબંધ લોકો સાથે જહાજમાં રાજા ચાર્લ્સ Iનો શાહી ખજાનો પણ ડૂબી ગયો હતો.એવું માનવામાં આવે છે કે આ જહાજ પર ૫ ટન સોનું અને ચાંદી હતું. જેમાં હેનરી અષ્ટમ માટે બનાવેલો સોનાનો ડિનર સેટ પણ હતો. લાકડાનું આ જહાજ બર્નટ આઈલેન્ડ અને લીથ વચ્ચે યાત્રા કરી રહ્યું હતું. જહાજ ડૂબવાની આ ઘટનામાં 33 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા. જોકે, 2 જણા નસીબના બળિયાં નીકળ્યા હતા.
છેલ્લા 30 વર્ષથી આ જહાજને શોધવા માટે એક ટીમ કામ કરી રહી હતી, પરંતુ કાટમાળની ઊંડાઈ, ફોર્થ નદીમાં કાંપનું સ્થળાંતર અને ચોખ્ખુ નીચે ન દેખાવાની સમસ્યાને પગલે આ જહાજને શોધવામાં 30 વર્ષનો સમય જતો રહ્યો છે. જોકે, આ જહાજ 400 વર્ષ પહેલાં ડૂબી ગયું હતું એ પણ ન ભૂલવું જોઈએ. જોકે, સારા સમાચાર એ છે કે આ જહાજનો કાટમાળ બર્નટ આઈલેન્ડ શહેરથી માત્ર એક માઇલ દૂર મળી આવ્યો છે.
લાખો પાઉન્ડની કિંમતનો શાહી ખજાનો છે આ જહાજમાં
બર્નટ આઈલેન્ડ બ્લેસિંગ રિપોર્ટ જણાવે છે કે ડૂબતી વખતે શાહી જહાજની કિંમત 1 લાખ પાઉન્ડ હતી. જે આજના હિસાબે કરોડો રૂપિયામાં થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 30 વર્ષની શોધ પછી કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે. હવે આ કાટમાળને બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે.
રિપોર્ટમાં જહાજનો કાટમાળ કેવી રીતે શોધાયો તેની વધુ વિગતો આપવામાં આવી છે. તેમાં જમીનની અંદર જોઈ શકાય એવા રડારનો ઉપયોગ, અદ્યતન સ્કેનિંગ તકનીકો, સ્થળનું ભૌતિક નિરીક્ષણ અને લાકડાના ટુકડાને કાઢવા જેવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે. હવે એ ફાયનલ થઈ ગયું છે કે, જે દરિયામાં કાટમાળ મળ્યો છે કે એ ધ બ્લેસિંગનો છે. દરિયાને ખૂંદી વળતાં આ સંશોધકોને લોટરી લાગી છે.
