આસ્થા અને આનંદનો અનોખો સંગમ : ગુજરાતમાં વિવિધ પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે કુલ ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડન ખટોલાનો આંનદ

Spread the love

d53d53d5-6c96-4405-a66c-02c439448eef c8ce7373-6e7b-419c-8e14-1919c4f871e7

વિડિયો

૨.૧૨ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક : રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ

ગાંધીનગર 

દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોલાનો આસ્થા સાથે આંનદ પણ માણ્યો છે.જેમાં પંચમહાલના પાવાગઢમાં ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો ૧૫.૫૮ લાખથી વધુ તેમજ જૂનાગઢના ગિરનારમાં ૮.૩૧ લાખથી વધુ એમ કુલ ૪૭.૩૨ લાખથી વધુ ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો તથા દિવ્યાંગ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.

ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ સાથે જ આધ્યાત્મિકતા અને કુદરતી વૈભવનો પ્રવેશ દ્વાર છે. ૨.૧૨ કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી ૩,૬૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર એવા અંબાજી માતાના મંદિર સાથે જોડે છે.ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૦માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારે સુધીમાં લાખ્ખો મુલાકાતીઓ – યાત્રાળુઓએ રોપ-વેની આ સેવાનો આનંદ માણી સલામત,અનુકૂળ અને અવિસ્મરણીય મુસાફરીનો અનુભવ કર્યો છે. આ રોપ-વેના ૩૧ આધુનિક કેબિન પ્રતિ કલાક ૧,૦૦૦ મુસાફરોનું પરિવહન કરે છે,જેમાં ૦૯ મિનિટની આ આકર્ષક રાઈડ ભવ્ય ગિરનાર પર્વતોના મનોહર દૃશ્યો દર્શાવે છે.

ગિરનાર પર્વતો અનેક પવિત્ર મંદિરોનું નિવાસસ્થાન છે. જેમાં ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર,ગોરખનાથ મંદિર અને ઐતિહાસિક જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રોપ-વે પાયાથી ૫,૦૦૦ પગથિયાં ઉપર સ્થિતમાં અંબાજી મંદિર સુધી યાત્રાળુઓને સરળતાથી પહોંચવાની સુવિધા આપે છે,જેનાથી મુશ્કેલ ચઢાણની દુવિધા દૂર થાય છે અને તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંને માટે એક આદર્શ પસંદગી બન્યું છે. ચોમાસાની ઋતુમાં મુલાકાતીઓ ગિરનારના પર્વતો પર ફરવાનો વધારે આનંદ માણે છે,જ્યાં વાદળો પરિભ્રમણ કરે છે અને પ્રકૃતિનું મનોહર સૌંદર્ય જોવા મળે છે. આ સાથે જ નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં પણ ગિરનારમાં યાત્રાળુઓનો વધુ ધસારો જોવા મળે છે. સોમનાથ મંદિર અને ગીર સિંહ અભયારણ્યની નિકટતા તેને સંપૂર્ણ સાંસ્કૃતિક અને કુદરતી અનુભવ મેળવવા માંગતા પ્રવાસીઓ વચ્ચે આ સ્થળ વધારે લોકપ્રિય બન્યું છે.

વધુમાં ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ સંચાલિત ગિરનાર,પાવાગઢ અને અંબાજી રોપ-વે દરેકમાં વેઇટિંગ હોલ,ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સર્વિસ, વ્હીલચેર, બોડી મસાજ ચેર,લોકર,પીવાનું પાણી,શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી વિવિધ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગિરનાર રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૫ કલાક સુધી,પાવાગઢ રોપ-વે સવારે ૦૬ થી સાંજે ૦૫:૪૫ કલાક સુધી જ્યારે અંબાજી રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૬ કલાક સુધી યાત્રીઓ માટે ચાલુ રહે છે. યાત્રીઓને સાંસ્કૃતિક અનુભવ થાય તે માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો સમય શ્રેષ્ઠ હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ટિકિટ્સ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે customercare@ushabreco.com પર ઈમેલ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૦૨-૪૦૫૦ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત ઓનલાઇન ટિકિટ બુકિંગ udankhatola.com પરથી કરી શકાશે.

*ડિસ્કાઉન્ટ*
✓રોપ-વે માં દિવ્યાંગજનોને વિશેષ ડિસ્કાઉન્ટે આપવામાં આવે છે
✓રોપ-વે કંપની દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ નામની ખાસ યોજના હેઠળ STEM EXCURSION શૈક્ષણિક પ્રવાસ માટે પ્રોત્સાહિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *