ચોર સમજી બન્યા જજ-જલ્લાદ! ગાંધીનગરમાં પિતા-પુત્રનો ખૂની ખેલ, પરપ્રાંતીયને બાંધી ઢોર મારથી પતાવી દીધો

Spread the love

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતા શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાત્રજથી સનાવડ જતા માર્ગ પર મોડી રાત્રે અંધારામાં ભૂલથી બીજી રૂમ તરફ પહોંચી ગયેલા 23 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવકને ચોર સમજી પિતા-પુત્રની જોડીએ દોરડાથી બાંધીને લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે સમયસર સારવાર ન મળતા યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. આ ચકચારી હત્યા કેસમાં સાંતેજ પોલીસે ગુનો નોંધી ફરાર પિતા-પુત્રને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

 

પરપ્રાંતીય શ્રમિકો ભાડાની રૂમમાં રહી પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતા હતા

 

મૂળ ઉત્તર પ્રદેશના ફરરૂખાબાદ જિલ્લાના કાયમગંજ તાલુકાના ઔજન નાગલા ગામના વતની અનિલ તેજસિંહ રાજપૂત હાલ ખાત્રજ ગામના નવીન વણઝારા વાસમાં ભાડાના મકાનમાં રહે છે. અનિલ તેમના જ ગામના મિત્રો ઇતવારીલાલ અવધેશ રાજપૂત (ઉં.વ. 23), મનોજ, વિક્રમ અને સુનીલ સાથે ભરતભાઈ ગાંડાભાઈ દેસાઈની રૂમમાં રહેતા હતા. આ તમામ મિત્રો સાંતેજથી વડસર રોડ પર આવેલી મહેર પ્લાસ્ટિક કંપનીમાં સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

મોડી રાત્રે રૂમમાંથી બહાર નીકળેલા યુવકની શોધખોળ અને હિંસક ઘટના

 

ગઈકાલે 19 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગે કંપનીએથી છૂટીને તમામ મિત્રો સાડા 8 વાગ્યા આસપાસ રૂમ પર આવ્યા હતા અને સાથે જમીને સુઈ ગયા હતા. રાત્રે આશરે 1:30 વાગ્યાના અરસામાં ઇતવારીલાલ અચાનક દરવાજો ખોલીને બહાર નીકળ્યો હતો.

 

અનિલે તેને પૂછ્યું હતું કે ક્યાં જાય છે, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. કપડાં પહેરીને અનિલ તેની શોધખોળ કરવા બહાર નીકળ્યો પરંતુ તે મળ્યો નહોતો. ખાત્રજથી સનાવડ જતા રોડ પર પહોંચતા અનિલે જોયું કે બે શખ્સોએ ઇતવારીલાલના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા અને લાકડીઓ વડે તેના પર નિર્દયતાપૂર્વક હુમલો કરી રહ્યા હતા.

 

મકાન માલિકની દરમિયાનગીરી બાદ ઈજાગ્રસ્ત યુવકને રૂમ પર લવાયો

 

આ ભયાનક દ્રશ્ય જોઈ ગભરાયેલો અનિલ તુરંત રૂમ પર દોડી ગયો હતો અને મિત્રો તથા મકાન માલિક ભરતભાઈ દેસાઈને જગાડી ઘટનાસ્થળે લઈ ગયો હતો. ત્યાં હાજર આરોપીઓએ ધમકી આપી હતી કે આ ચોરને લઈ જાવ નહીંતર જાનથી મારી નાખીશું.

 

મકાન માલિકે દરમિયાનગીરી કરી આરોપી મહોતજી અને તેના પુત્ર સંગ્રામને શાંત પાડીને ત્યાંથી રવાના કર્યા હતા. સવારે આશરે 5 વાગ્યે મિત્રો ઈજાગ્રસ્ત ઇતવારીલાલને રૂમ પર લાવ્યા હતા, જ્યાં તેણે જણાવ્યું કે અંધારામાં ભૂલથી બીજી રૂમ તરફ જતાં આ બંનેએ તેને ચોર સમજીને માર માર્યો હતો.

 

સવારે તબિયત લથડતાં યુવકનું મોત

 

સવારે સાડા 7 વાગ્યા આસપાસ ઇતવારીલાલે પાણી માંગતા અનિલે પાણી આપ્યું હતું. ત્યારબાદ નોકરી પર જવાનો સમય થતાં અનિલે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઉઠ્યો નહોતો. મિત્રોએ તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ ગંભીર આંતરિક ઈજાઓના લીધે ઇતવારીલાલનું કરૂણ મોત નીપજી ચૂક્યું હતું. ઘટનાની જાણ થતાં જ પી.આઈ. એસ.આર. ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અનિલ રાજપૂતની ફરિયાદના આધારે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *