વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ (PM Modi birthday 2026) પૂર્ણ થવા તેમજ આગામી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. PM મોદી 7 ઓક્ટોબર 2026ના રોજ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાને 25 વર્ષ પૂર્ણ કરશે. આ નિમિત્તે BJP દ્વારા ‘સેવા સંકલ્પ મહોત્સવ’ (Seva Sankalp Mahotsav) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે.આ આયોજનને લઈને આવતીકાલે, 22 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં BJPના રાષ્ટ્રીય પ્રમુખ સહિત પાર્ટીના મોટા નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ જોડાય તેવી શક્યતા છે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, દેશવ્યાપી આયોજન અને વિવિધ જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
Seva Sankalp Mahotsav કાર્યક્રમનું નેતૃત્વ હર્ષ સંઘવી કરશે
મળતી માહિતી મુજબ, આ બેઠક તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાની મહત્વની જવાબદારી ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી (DyCM Harsh Sanghavi) સંભાળી રહ્યા છે. દેશભરમાં યોજાનારા Seva Sankalp Mahotsav કાર્યક્રમોને લઈને સંકલન અને વ્યવસ્થાઓ અંગે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
BJP દ્વારા PM મોદીના 25 વર્ષના જાહેર જીવનને સેવા, સુશાસન, વિકાસ અને અંત્યોદય સાથે જોડીને ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર ‘સેવા સંકલ્પ મહોત્સવ’ અંતર્ગત 7 સપ્ટેમ્બરથી દેશભરમાં આશરે 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની યોજના છે.
આ ઉપરાંત 17 સપ્ટેમ્બરના PM મોદીના જન્મદિવસને પણ વિશેષ રીતે ઉજવવાની તૈયારીઓ છે. BJP અગાઉ પણ PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’ જેવા કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે, જેમાં સેવા, સ્વચ્છતા, જનકલ્યાણ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે.
આવતીકાલની દિલ્હીની બેઠકમાં આ તમામ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવા અને દેશભરમાં તેના અમલીકરણ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા થવાની સંભાવના છે. PM મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણીને ભવ્ય બનાવવા BJP દ્વારા સંગઠનના રાષ્ટ્રીય સ્તરથી લઈને રાજ્ય અને સ્થાનિક સ્તર સુધીના નેતાઓને જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
