દિલ્હીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠકો, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા રહેશે હાજર

Spread the love

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોમાં ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજરી આપશે.

 

સવારે 10 વાગ્યે યોજાનારી પ્રથમ પરિચય બેઠકમાં તમામ નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજર રહેશે.આ બેઠકમાં દેશના તમામ પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મહામંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોમાંથી સરકારના એક-એક પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં ભાગ લેશે.

 

ત્યારબાદ બપોરે 2 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોને લઈને બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહી આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરશે.

 

સાંજે 6 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાજ્યોના સંગઠનના પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠનના અગ્રણીઓ સાથે બેઠક યોજશે. જેમાં આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

 

આ બેઠકોને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે નવા સંગઠનના ગઠન બાદ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે પદાધિકારીઓ એક મંચ પર ભેગા થશે અને આગામી કાર્યક્રમોની વ્યૂહરચના પર ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *