નવી દિલ્હી તા, 21 સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ સાર્વજનિક સ્થળ કે જાહેર જનતાની હાજરી વગરની ખાનગી કે બંધ જગ્યામાં જાતિવાદી શબ્દો કે અપશબ્દો બોલવા એ `અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટ’ (SC/ST એક્ટ) હેઠળ ગુનો બનતો નથી.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો હતો, જેમાં એક શાળાનાં મેનેજર સામે SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ચાલું રાખવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.આ મામલો જાન્યુઆરી 2020નો છે, જ્યાં શાળામાં બાળકો વચ્ચે થયેલી ઝઘડાની બાબતે ચર્ચા કરવા ગયેલાં એક પિતા સાથે શાળાનાં મેનેજર અને સ્ટાફે માથાકૂટ કરી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે બંધ રૂમમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને જાતિવાદી અપશબ્દો કહેવામાં આવ્યા હતાં.
આ મામલે પોલીસમાં રાયોટિંગ, ઈજા પહોંચાડવી અને SC/ST એક્ટની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી, જેને શાળાનાં મેનેજરે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, કાયદા મુજબ `જાહેર સ્થળ’ નો અર્થ એવો થાય છે કે જ્યાં સામાન્ય જનતા ઘટના જોઈ કે સાંભળી શકે. જો કોઈ ઘટના ચાર દીવાલો વચ્ચે રૂમમાં બની હોય અને ત્યાં અન્ય કોઈ સામાન્ય નાગરિક કે સાક્ષી હાજર ન હોય, તો તેને જાહેર સ્થળ ગણી શકાય નહીં.
આ ઉપરાંત, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસનાં પુરાવાઓ માત્ર ઝઘડો અને બોલાચાલી દર્શાવે છે, પરંતુ મેનેજર દ્વારા ચોક્કસપણે કયા જાતિવાદી શબ્દો બોલાયા હતા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી.
આ આધારે સર્વોચ્ચ અદાલતે શાળાનાં મેનેજર સામે SC/ST એક્ટ હેઠળની તમામ કાર્યવાહી રદ કરી દીધી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મારામારી અને અન્ય સામાન્ય કલમો હેઠળનો કેસ કાયદા મુજબ આગળ ચાલું રહેશે.
