ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી સોમવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામે તેવી શક્યતા છે. ઓગસ્ટના અંતથી શરૂ થનાર વરસાદનો દૌર સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી અલગ-અલગ તબક્કામાં ચાલુ રહી શકે છે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અનેક વરસાદી સિસ્ટમો સક્રિય છે. તેની અસરથી આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં
પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેવાનો અંદાજ છે. 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બરના મધ્ય અને અંતિમ તબક્કામાં નવી સિસ્ટમો સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
