ગાંધીનગરના ક-7 સર્કલથી રાંધેજા વચ્ચેના રેલવે ફાટક પર શનિવારે અચાનક હાથ ધરાયેલી ટ્રેક સમારકામની કામગીરીના કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વગર જ માર્ગ એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિક રહીશો તેમજ દરરોજ અપ-ડાઉન કરતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
માણસા, ગોઝારિયા, વિસનગર અને મહેસાણા તરફ જતાં તેમજ ત્યાંથી ગાંધીનગર શહેર તરફ આવતાં તમામ વાહનો માટે તંત્રએ ક-7થી ખ-7 અને પેથાપુર થઈને પસાર થતો વૈકલ્પિક રૂટ નક્કી કર્યો હતો.
જોકે મુખ્ય માર્ગ પર કે ફાટકથી દૂર ક્યાંય પણ સૂચના બોર્ડ ન લગાવાતાં વાહનચાલકો છેક ફાટક સુધી પહોંચ્યા બાદ જ પાછા ફરવા મજબૂર બન્યા હતા. પરિણામે ક-7 સર્કલથી ફાટક સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. ટ્રાફિક જામના કારણે લોકોનો કિંમતી સમય તો બગડ્યો જ, સાથે બિનજરૂરી ઇંધણનો પણ વ્યય થયો હતો.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, જો રેલવે અથવા સ્થાનિક તંત્ર દ્વારા એક દિવસ અગાઉ પણ જાહેરનામું અથવા સ્થાનિક કક્ષાએ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હોત, તો લોકો અગાઉથી જ વૈકલ્પિક માર્ગ પસંદ કરી શક્યા હોત.
તંત્રની આ બેદરકારીના કારણે નોકરિયાતો, વેપારીઓ અને ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો પણ કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા.
સૌથી મોટી મૂંઝવણ એ છે કે આ રેલવે ફાટક માત્ર શનિવારે જ બંધ રખાયું છે કે આગામી દિવસોમાં પણ કામગીરી ચાલુ રહેશે, તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
