મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે અને સપ્ટેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ચૂંટાયેલા કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં મતદારોને આકર્ષવા ગ્રાન્ટમાંથી વિવિધ ચીજવસ્તુઓ વહેંચવાની શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સોસાયટીઓ, સંસ્થાઓને વિવિધ કાર્યક્રમોમાં ઉપયોગી થાય તે માટે સ્પીકર વહેંચવામાં આવશે.
આ મહાનગરપાલિકા દ્વારા મિડિયમ સાઇઝના વધુ 300 જેટલા સ્પીકર ખરીદવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા ગત માર્ચ માસમાં 600 સ્પીકરની ખરીદી માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાંથી અત્યારસુધીમાં 400 જેટલા સ્પીકરની કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખરીદી થઇ ગઇ છે અને ચૂંટણી પહેલા સ્પીકરની ડિમાન્ડ વધતાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધુ 300 જેટલા સ્પીકર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
સોની, જેબીએલ અને આહુજા એમ ત્રણ બ્રાન્ડના સ્પીકર સરેરાશ 23 હજાર રૂપિયાની કિંમતે ખરીદવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી જેની સૌથી વધુ ડિમાન્ડ છે તે ખુરશીઓની પણ મોટાપાયે ખરીદી કરવામાં આવનાર છે.
હાલ ખુરશીઓનું ટેન્ડર પુરૂ થઇ ગયું હોવાથી નવા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. શક્ય એટલી ઝડપથી નવા ટેન્ડરને મંજૂરી આપીને 10થી 15 હજાર જેટલી ખુરશીઓની ચૂંટણી પહેલા ખરીદી થાય તેવી શક્યતા છે.