લાંચ લેતા ઝડપાયેલા ભરૂચના આસિ. કમિશનર-ડ્રગ ઇન્સ્પેક્ટરના વિરોધમાં ફાર્માસિસ્ટોનો અનોખો વિરોધ

Spread the love

ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાઇસન્સ ઇશ્યૂ કરવાના બદલામાં ₹40 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ફાર્મા ક્ષેત્રમાં ચર્ચા જગાઈ છે. દરમિયાન ભરૂચમાં ફાર્માસિસ્ટ એસોસિએશને અનોખી રીતે વિરોધ નોંધાવી કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

લાંચકાંડ બાદ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ ભરૂચ FDCA કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સભ્યોએ ‘FDCA ભ્રષ્ટાચાર બંધ કરો’ લખેલી કેક કાપી હતી તેમજ ફટાકડા ફોડી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં કેટલાક મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાઇસન્સના આધારે ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક સ્થળોએ ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ, ગર્ભપાતની દવાઓ અને નશાકારક દવાઓનું વેચાણ થતું હોવા છતાં આવી પ્રવૃત્તિઓ સામે યોગ્ય કાર્યવાહી થતી નથી.

એસોસિએશનના આક્ષેપ મુજબ, આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કેટલાક સ્ટોર સંચાલકો પાસેથી વાર્ષિક ‘સાલિયાણું’ વસૂલવામાં આવે છે. નવા લાઇસન્સ અથવા લાઇસન્સના રિન્યૂઅલ માટે ₹25 હજારથી ₹50 હજાર સુધીની લાંચ માંગવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વિના પ્રિસ્ક્રિપ્શન વેચાતી કફ સિરપ અંગેની તપાસ દરમિયાન પણ અધિકારીઓ દ્વારા ‘તોડબાજી’ કરવામાં આવતી હોવાનો દાવો એસોસિએશને કર્યો છે.

 

ફાર્માસિસ્ટ એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર રતનકંવર ચરણગઢવી સમક્ષ રજૂઆત કરી છે. એસોસિએશનની માગ છે કે ભાડાના લાઇસન્સ પર ચાલતા મેડિકલ સ્ટોર્સ સામે માત્ર થોડા દિવસ માટે સીલ મારવાની કાર્યવાહી પૂરતી ન રાખવામાં આવે, પરંતુ નિયમોનો ભંગ કરનાર સ્ટોર્સના લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે.

સાથે જ, લાંચ અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ એસોસિએશને માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *