રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. સચિવાલયના તમામ વિભાગો ઉપરાંત ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, મંડળો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓમાં પણ આ નિર્ણય લાગુ પડશે.
પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અને કાપડનો ઉપયોગ કચેરીઓમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલ કવરની જગ્યાએ હવે કાગળ, શણ અને કાપડમાંથી બનેલા ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ ફાઈલ કવરનો ઉપયોગ કરવામાં આવશે. આથી પ્લાસ્ટિક આધારિત સ્ટેશનરીનો વપરાશ ધીમે ધીમે ઘટશે.
જૂનો સ્ટોક પૂરો થાય પછી નવી ખરીદી પર નિયમ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ હાલમાં સરકારી કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકની ફાઈલો અને સ્ટેશનરીનો સ્ટોક તાત્કાલિક નિકાલ કરવાનો રહેશે નહીં. ઉપલબ્ધ સ્ટોક પૂર્ણ થયા બાદ નવી ખરીદી કરતી વખતે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો જ પસંદ કરવાના રહેશે.
પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા સરકારનો પ્રયાસ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. ‘સ્વચ્છ ભારત મિશન’ અને પર્યાવરણ જતન પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા સરકાર હવે સરકારી કચેરીઓમાં પણ પ્લાસ્ટિકમુક્ત કાર્યસંસ્કૃતિ ઊભી કરવા તરફ આગળ વધી રહી છે.
