કડોદરા નગરપાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શશીસિંહ રાજપૂતની પુત્રવધૂ નિધિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. લગ્નના માત્ર બે વર્ષ બાદ નિધિએ આ અંતિમ પગલું ભરતાં પરિવાર અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની તપાસ દરમિયાન મૃતક નિધિના આંતરવસ્ત્રોમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે.આ સુસાઇડ નોટમાં પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાસરિયાં પુરાવા ન છુપાવે તે માટે નોટ છુપાવી હોવાનો દાવો
મળતી માહિતી મુજબ, નિધિએ અંતિમ નોટ એવી જગ્યાએ રાખી હતી કે સાસરિયાં દ્વારા કોઈ પુરાવો છુપાવવામાં ન આવે. પીએમ દરમિયાન ડોક્ટરોને મૃતકના આંતરવસ્ત્રોમાંથી આ નોટ મળી હોવાનું જણાવાયું છે.
પોલીસે નોટ કબજે કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિના અન્ય મહિલા સાથેના સંબંધ સહિત નોટમાં કરાયેલા આક્ષેપોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોના નિવેદનો સહિત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.