*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યોને બદલ્યા વિના વિશ્વભરની આધુનિકતાને સાંકળવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પૂ. બાપુએ આપેલ ગ્રામ સ્વરાજ, સમૃદ્ધ ગામ અને સહકારિતાના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
—————
*ગાંધીજીનો મુખ્ય સંદેશ ભારતીય જીવન પદ્ધતિ, મૂલ્યો અને જ્ઞાન પરંપરા ત્યારે, આજે અને ભવિષ્યમાં પણ શાશ્વત રહેશે તે ક્યારેય કાળબાહ્ય નહીં થાય* – *શ્રી અમિતભાઈ શાહ*
———–
*હાથને કૌશલ્ય, હૃદયને સંવેદનશીલતા અને મસ્તિષ્કને જ્ઞાન સાથે વિવેક આપે તે પ્રકારે શિક્ષા હોવી આવશ્યક હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
————
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠ નો 72 મો પદવીદાન સમારંભ યોજાઇ ગયો હતો. આ પ્રસંગે નવસો જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
શ્રી અમિતભાઈ શાહે તેમના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે 900 વિદ્યાર્થીઓ જે આજે પદવી ગ્રહણ કરી રહ્યા છે તેઓ આ કાર્યક્રમનો આત્મા છે. તેઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે તો આ જીવનની અનમોલ ક્ષણ છે જ પરંતુ તેમના માટે પણ આ અનમોલ ક્ષણ છે કારણ કે તેઓ ગુજરાત વિદ્યાપીઠના લાયબ્રેરીના વાચક રહ્યા છે, જેને જીવન ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. તેઓએ કહ્યું કે તેમના માતૃશ્રી બાપુના અનન્ય અનુયાયી હતા. તેઓએ પણ શરૂઆતના જીવનમાં ખાદી વણાટ અને સુતર કાંતવા વગેરે કાર્ય કરેલ છે. તેઓએ કહ્યું કે તેમને માતૃશ્રીએ તેમની પાસે એક વ્રત લેવડાવેલું હતું કે આજીવન ખાદી જ પહેરવી. દેશની આઝાદી માટે ચિંતન કરનાર અનેક કર્મયોગીઓ અને તપસ્વીઓની આ તપોભૂમિ રહી, તેઓએ આઝાદી માટે અહીં જ ચિંતન કર્યું અને સ્વતંત્રતા સંગ્રામની રણનીતિ પણ અહીં જ ઘડાઈ. કાકા સાહેબ કાલેલકર અને આચાર્ય કૃપલાણી જેવા મનીષીઓએ સ્વ ભાષા માટે અહીંથી જ આહલેક જગાવી.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે જીવનમાં અનેક વખત ઉતાર ચડાવ આવતા રહેશે. તેઓએ વિદ્યાર્થીઓને આ પ્રાંગણ છોડતા પહેલા એક લક્ષ્ય અવશ્ય લેવાની અપીલ પણ કરી હતી, આ લક્ષ્ય પોતાના માટે નહીં પરંતુ દેશ સમાજ કે ગરીબ માટે હોવું જોઈએ. શ્રી શાહે કહ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો સંદેશ ત્યારે, આજે અને સો વર્ષ પછી પણ એટલો જ શાશ્વત રહેશે તે ક્યારેય કાલ બાહ્ય નહીં થાય ભારતીય જીવન પદ્ધતિ, મૂલ્યો અને જ્ઞાન પરંપરા ગાંધીજીનો મુખ્ય સંદેશ છે. પૂ. બાપુ સ્વદેશ આવ્યા બાદ ગોપાલ કૃષ્ણ ગોખલેજીની સલાહ મુજબ સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું અને જોયું કે દેશમાં અનેક પ્રકારની વિવિધતા રહેલી છે અને બાદમાં ચંપારણમાં રાજેન્દ્ર બાબુ ને કહ્યું કે મેં આ દેશમાં અદભુત એકાત્મતાના દર્શન કર્યા છે. તેઓ કહ્યું કે 18 ઓક્ટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના થઈ અને 1920 થી 1942 સુધી ગહન ચિંતન કરીને આઝાદીનો નકશો તૈયાર કરવામાં આવ્યો.
શ્રી શાહે ઉમેર્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠના પૂજ્ય બાપુ સંસ્થાપક રહ્યા અને બાદમાં સરદાર પટેલ, રાજેન્દ્ર બાબુ, મોરારજી દેસાઈ જેવા અનેક મહાન લોકોએ કુલાધિપતિ તરીકે સેવા આપી. તે જ પરંપરાને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગળ વધારી રહ્યા છે તેનો મને આનંદ છે. હાથ હ્રદય અને મસ્તિષ્ક ના સમન્વયથી જ રાષ્ટ્રનું પુન: નિર્માણ શક્ય બને છે. હાથને કૌશલ્ય, હૃદયને સંવેદનશીલતા અને મસ્તિષ્કને જ્ઞાન સાથે વિવેક આપે તે પ્રકારે શિક્ષા હોવી આવશ્યક છે.
શ્રી શાહે નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે 2020 માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતૃભાષા, કૌશલ્ય, ભારતીય જ્ઞાન પરંપરા, બહુભાષીય અભ્યાસ અને વ્યક્તિત્વ નિર્માણ જેવા તત્વોને ધ્યાનમાં રાખીને નવી શિક્ષા નીતિનું નિર્માણ કર્યું છે. જેમાં ભારતીય મૂલ્યોને બદલ્યા વિના વિશ્વભરની આધુનિકતાને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ કહ્યું કે પૂજ્ય બાપુએ જીવનમાં અનેક માન બિંદુઓ સ્થાપિત કર્યા છે પૂ. બાપુએ સાત સામાજિક પાપો પણ વ્યાખ્યાયિત કર્યા છે જેમાં સિદ્ધાંત વિહીન રાજનીતિ, નૈતિકતા વિહીન વ્યાપાર, શ્રમવિહીન ધન, વિવેક વિહીન જ્ઞાન અને ભોગ, ચરિત્ર વિહીન જ્ઞાન, માનવતા વિહીન વિજ્ઞાન અને ત્યાગ વિનાની ઉપાસના સામેલ છે. આ ઉપરાંત પૂ. બાપુએ ૧૧ મહાવ્રતો પણ આપ્યા : સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, અસ્વાદ, સ્વદેશી, સર્વ ધર્મ સમભાવ અને અસ્પૃશ્યતા નિવારણ. શ્રી શાહે કહ્યું કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી પરંતુ એક વિચાર છે જે દર્શાવે છે કે જીવનના દરેક ક્રિયા કલાપોમાં સાથી દેશવાસીઓની પણ ચિંતા કરીશું.
શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાના સંસ્કાર શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું. તેઓ કહ્યું કે દુનિયાભરની ભાષાઓ શીખી શકાય પરંતુ સ્વભાષા સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. તેઓએ કહ્યું કે પૂ.બાપુએ ગ્રામ સ્વરાજ, સમૃદ્ધ ગામ અને સહકારિતાના સિદ્ધાંતો આપ્યા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આ જ સિદ્ધાંતો પર કામ કરી રહ્યા છે. પૂજ્ય બાપુ હંમેશાં ભારતને આઝાદી મળ્યા બાદ નવનિર્માણ નહીં પરંતુ પુનઃ નિર્માણ શબ્દ પ્રયોગ કરતા હતા બંને વચ્ચે તફાવત ખૂબ નજીવો છે પરંતુ સૂક્ષ્મ રીતે જોઈએ તો ખૂબ મોટો તફાવત રહેલો છે. પુનઃ નિર્માણ મતલબ કે તેના મૂળ તત્વોને જાળવીને આધુનિકતા અપનાવીશું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2014 થી ભારતીય મૂલ્યો અને તત્વોને અકબંધ રાખીને સામર્થ્ય, સુરક્ષા અને આત્મ નિર્ભરતાના લક્ષ્ય સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના 75 વર્ષ થયા ત્યારે સમગ્ર દેશ સામે એક સંકલ્પ રાખ્યો કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ મનાવતો હશે એટલે કે 2047માં દરેક ક્ષેત્રે આપણો દેશ વિશ્વમાં સર્વપ્રથમ હોવો જોઈએ. 2047 માં વિકસિત ભારતની આ સંકલ્પનામાં પ્રત્યેક યુવાનોને પોતાનું યોગદાન આપવા અપીલ તેમજ જીવનમાં ખૂબ સફળતા મળે તેવી અનંત શુભકામનાઓ શ્રી શાહે વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવશ્રી, ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ટ્રસ્ટી મંડળના સદસ્યશ્રીઓ, કાર્યવાહક સમિતિના સભ્યશ્રીઓ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, સ્નાતક સંઘના પદાધિકારીઓ, શિક્ષણવિદશ્રીઓ, વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

