*2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વના અર્થતંત્રમાં ભારત 11મા ક્રમે હતું, જ્યારે આજે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના સામે કેન્દ્ર, રાજ્ય સરકાર અને 140 કરોડ ભારતીય એકસાથે મળીને લડ્યા, ભારતે પોતાની ક્ષમતા અને સંકલ્પશક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
————-
*બલ્ક ડ્રગ પાર્ક અને PLI સ્કીમ જેવી પહેલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અમિતભાઈ શાહ*
———–
*સ્વ. રજનીભાઈએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વ્યવસાયના મર્મને સમજીને એક કદમ આગળ વધીને કાર્ય કર્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
————-
*ભારતીય ફાર્મા સેક્ટર હવે માત્ર એક ઈન્ડસ્ટ્રી નથી, પરંતુ ભારતનું નેશનલ સ્ટ્રેટેજિક એસેટ છે. તે ભારતની પરંપરા, પ્રતિભા અને સંશોધન ક્ષમતાનું પ્રતિબિંબ છે* – *શ્રી અમિતભાઈ શાહ*
————–
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજરોજ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ટ્રોઇકા ફાર્માસ્યુટીકલ લિ. દ્વારા આયોજિત RV પટેલ ફાર્મિનોવા એવોર્ડ-૨૦૨૬ એનાયત કાર્યક્રમ અમદાવાદના સિંધુભવન યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે સ્વ. રજનીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, રજનીભાઈએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વ્યવસાયના મર્મને સમજીને એક કદમ આગળ વધીને કાર્ય કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી ભારત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટેની મજબૂત વ્યવસ્થાઓ ઊભી ન કરે ત્યાં સુધી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને યોગદાન આપવું પડશે. માત્ર વિદેશી મૂડીના આધારે ભારતની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીને વિશ્વમાં અગ્રેસર બનાવી શકાય નહીં. ઘણા લોકોને વિચાર આવે છે કે, “એકલા આપણે શું કરી શકીએ?” પરંતુ હાથ પર હાથ રાખીને કોઈ પરિવર્તન લાવી શકાતું નથી. દરેક વ્યક્તિએ પોતાના સ્તરે કાર્ય શરૂ કરવું જોઈએ. જ્યારે અનુકૂળ નીતિઓ અને વ્યવસ્થાઓનું નિર્માણ થાય છે, ત્યારે પરિશ્રમનું પરિણામ મોટા પરિવર્તનના સ્વરૂપમાં જોવા મળે છે. સંશોધન ક્ષેત્રે કાર્ય કરનારાઓને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમાજ અને ઈન્ડસ્ટ્રી દ્વારા મળતી માન્યતા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રકારના એવોર્ડ સંશોધકોના કાર્યને પ્રોત્સાહન અને સન્માન આપે છે. PhD સ્કોલર અને તેમના ગાઈડ બંનેને સન્માનિત કરવાની પરંપરા સંશોધન ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે. ટ્રોઇકાએ નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ અને નોંધપાત્ર કાર્ય કર્યું છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો માટે વર્ષ 2047નું એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કર્યું છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન યુવાનોને સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો અભ્યાસ કરવા, આઝાદી પછી ભારતે કરેલી પ્રગતિને સમજવા અને વિશ્વ ફલક પર ભારતના સ્થાનનું મૂલ્યાંકન કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ, 15 ઓગસ્ટ 2047ના રોજ ભારત કેવું હોવું જોઈએ તેનો સંકલ્પ પણ દેશવાસીઓએ કરવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન છે કે, 15 ઓગસ્ટ 2047ના રોજ ભારત વિશ્વના દરેક ક્ષેત્રમાં અગ્રેસર દેશ બને. ભારત સુરક્ષિત, શિક્ષિત, સંસ્કારી અને જીવનમૂલ્યોને જાળવીને વિકાસ કરતું રાષ્ટ્ર બને તથા વિશ્વના અર્થતંત્રમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરે તે દિશામાં આપણે સૌએ કાર્ય કરવાનું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા ભારત પાસે છે. જરૂર છે તો માત્ર યુવાનોની શક્તિ અને પ્રતિભાને યોગ્ય દિશામાં ચેનલાઈઝ કરવાની, સમયાનુકૂળ નીતિઓ બનાવવાની અને નીતિઓના અસરકારક અમલીકરણની. વર્ષ 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વના અર્થતંત્રમાં ભારત 11મા ક્રમે હતું, જ્યારે આજે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, યોગ્ય લક્ષ્ય નક્કી કરવામાં આવે અને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવે તો કોઈપણ સિદ્ધિ અશક્ય નથી.
કોરોના મહામારીના સમયને યાદ કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે ભારતની આરોગ્ય વ્યવસ્થાને લઈને અનેક નિષ્ણાતો ચિંતિત હતા. પરંતુ ભારતે સમગ્ર વિશ્વને પોતાની ક્ષમતા અને સંકલ્પશક્તિનો પરિચય કરાવ્યો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દેશની જનતા—140 કરોડ ભારતીયો—એકસાથે મળીને આ મહામારી સામે લડ્યા અને ભારતે કોરોના સામે અસરકારક રીતે સફળ સંઘર્ષ કર્યો. જ્યારે પ્રથમ વખત જનતા કર્ફ્યુનું આહ્વાન કરવામાં આવ્યું ત્યારે દેશની જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને તેનું પાલન કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ પણ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, “આ લડાઈ આપણે જીતી જઈશું.” દેશની જનતા જ્યારે કોઈ સંકલ્પ સાથે ઊભી રહે ત્યારે કોઈપણ પડકારને પરાસ્ત કરી શકાય છે. કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાના માટે વેક્સિનનું ઉત્પાદન કર્યું નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોને પણ વેક્સિન પહોંચાડીને માનવજાતની સેવા કરી. ભારતે સ્વદેશી ક્ષમતાના આધારે વેક્સિનના ઉત્પાદનથી લઈને PPE કિટ અને N95 માસ્કના મોટા પાયે ઉત્પાદન સુધીની ક્ષમતા ટૂંકા સમયમાં વિકસાવી. આ સમગ્ર પ્રક્રિયાએ વિશ્વને બતાવ્યું કે ભારત પોતાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે સમગ્ર વિશ્વની પણ મદદ કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 બાદ ભારતે પોતાની નીતિઓ, નિયમો, માનસિકતા અને કાર્યપદ્ધતિમાં વ્યાપક પરિવર્તન કર્યું છે. આજે વિશ્વભરની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે અને ભારત વિશ્વના સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક જેવી નીતિઓ તથા PLI સ્કીમના માધ્યમથી ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રેસર હતું, પરંતુ બાદમાં આ ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ વધ્યું. આજે ભારત ફરીથી પોતાની ક્ષમતાના આધારે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. ભારતીય ફાર્મા સેક્ટર હવે માત્ર એક ઈન્ડસ્ટ્રી નથી, પરંતુ ભારતનું નેશનલ સ્ટ્રેટેજિક એસેટ છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ભારતની પરંપરા, પ્રતિભા અને સંશોધન ક્ષમતાનું પ્રતિબિંબ છે અને તેને ભવિષ્યમાં વધુ મજબૂત બનાવવાની જવાબદારી આપણી સૌની છે. કોરોના મહામારીની શરૂઆતમાં દેશમાં PPE કિટનું ઉત્પાદન ખૂબ જ મર્યાદિત હતું અને N95 માસ્ક મેળવવા પણ મુશ્કેલ હતા. પરંતુ થોડા જ સમયમાં ભારત PPE કિટ અને માસ્કના મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશ તરીકે ઉભરી આવ્યું. માત્ર 13 મહિનામાં કોવેક્સિન અને કોવિશિલ્ડ જેવી વેક્સિનના ઉત્પાદનથી ભારતે પોતાની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષમતાનો પરિચય આપ્યો.
શ્રી શાહે જણાવ્યું હતું કે, બલ્ક ડ્રગ પાર્ક અને PLI સ્કીમ જેવી પહેલો આગામી સમયમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આશરે ₹67,000 કરોડના રોકાણને પ્રોત્સાહન મળ્યું છે અને ભારતે દવાઓની નિકાસમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતની યુવા શક્તિ, વૈજ્ઞાનિક પ્રતિભા, સંશોધન ક્ષમતા અને ઉદ્યોગસાહસિકતા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. યોગ્ય નીતિ, સતત પરિશ્રમ અને આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે ભારત 2047 સુધી વિકસિત અને વિશ્વમાં અગ્રેસર રાષ્ટ્ર બનવાના લક્ષ્યને ચોક્કસપણે સાકાર કરી શકે છે.


