*ભાઈ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનના સંરક્ષણની પ્રતિજ્ઞાનું અને ભાઈના જીવનમાં, જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન છે.* – *શ્રી અમિતભાઇ શાહ*
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય પરંપરાઓ અને વારસાના જતનની સાથે – સાથે જન ભાગીદારી અને જન જાગરણના તાંતણે દેશના નાગરિકોને સાંકળીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરવા યજ્ઞ આદર્યો છે.* – *શ્રી અમિતભાઇ શાહ*
આપણા વૈદિક શાસ્ત્રોએ સુતરના તંતુમાં ઉચ્ચ કોટિના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યો ગુથ્યા છે એટલે જ પુરાણોમાં કહેવાયું છે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્ને તત્ર દેવતા”* – *શ્રી અમિતભાઇ શાહ
*”પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’, ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’, ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વાવલંબન અને રોજગારની તકો સાથે જોડવામાં આવી રહી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત તેમજ દેશના નાગરિકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી
શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે સુતરના તાંતણે ભાઈ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનના સંરક્ષણની પ્રતિજ્ઞાનું અને ભાઈના જીવનમાં, જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન છે.બહેનોના હૃદયમાંથી નિષ્પન્ન થયેલ નિર્મળ પ્રેમનું આ સૂત્ર ભાઈને જીવનમાં આવનારી વિટંબણાઓને પાર કરવાની ચેતના પુરી પાડે છે, સાથે સાથે જીવન ધ્યેયને સિદ્ધ કરવા પથદર્શક બની રહે છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે ભારત વૈદિક પરંપરાઓનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. આપણા વૈદિક શાસ્ત્રોએ સુતરના તંતુમાં ઉચ્ચ કોટિના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યો ગૂંથ્યા છે. એટલે જ પુરાણોમાં કહેવાયું છે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્ને તત્ર દેવતા”. તહેવારો આપણી ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરા છે. જેનાથી સાંસારિક સબંધો પ્રેમ અને વિશ્વાસ સાથે નવપલ્લિત થાય છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય પરંપરાઓ અને વારસાના જતનની સાથે – સાથે જન ભાગીદારી અને જન જાગરણના તાંતણે દેશના નાગરિકોને સાંકળીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરવા યજ્ઞ આદર્યો છે. દેશની માતા- બહેનો- દીકરીઓના આત્મસન્માનની રક્ષા હેતુ ગ્રામીણ ક્ષેત્રે ૧૨ કરોડ થી વધુ, શહેરોમાં ૬૬ લાખથી વધુ ઘરેલું તેમજ ૬ લાખથી વધુ જાહેર શૌચાલયોનું નિર્માણ કેન્દ્રની ભાજપા સરકારે કર્યું છે. આ ઉપરાંત ઉજ્વલા યોજના મારફત ૧૨ કરોડથી વધુ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપી તેમના સ્વાસ્થ્યનું રક્ષણ અને જીવનને સુવિધાયુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ઉતરોતર આગળ વધારી રહ્યા છીએ. ‘બેટી બચાવો, બેટી પઢાવો’થી લઈને ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’, ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’, ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’, ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી અનેક યોજનાઓ દ્વારા દીકરીઓ તથા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વાવલંબન અને રોજગારની તકો સાથે જોડવામાં આવી રહી છે.
શ્રી શાહે અંતમાં કહ્યું હતું કે સૌ સાથે મળીને સમાજ અને રાષ્ટ્ર રક્ષાની ભાવના વ્યાપક અને બળવત્તર બનાવી, સામાજિક સમરસતા અને સંવાદિતા થકી સર્વે નાગરિકોને એક તાંતણે બાંધી અડીખમ, અગ્રેસર અને અખંડ ભારતની સંકલ્પના સાકાર કરીએ.
