‘જો થોડું મોડું થયું હોત તો…’ નેપાળ હોનારતમાંથી બચેલા ગુજરાતીઓની આપવીતી, ‘અમારું મોત નક્કી હતું અમને મહાદેવે બચાવ્યા’

Spread the love

નેપાળ પૂર હોનારત બાદ આખી દુનિયા સ્તબ્ધ છે. જેણે પણ નેપાળના દૃશ્યો જોયા તેના હોશ ઉડી ગયા. ક્ષણભરમાં આ શું થઈ ગયું? મન હજુ માનવા તૈયાર નથી. નેપાળનો એ રસૂવા વિસ્તાર, જ્યાં કુદરતના ખોળામાં આખું નગર વસતું હતું, ત્યાં હવે અજંપાભરી શાંતિ છે, કાટમાળ છે. અને કાટમાળ નીચે દટાયેલા સંખ્યાબંધ લોકોના મૃતદેહ છે. આ બધાની વચ્ચે ઘણા નસીબદાર લોકો પણ છે, જેઓ હોનારત સર્જાયાના થોડા સમય પહેલા જ ત્યાંથી નીકળી ગયા.

નેપાળના રસૂવામાં આવેલા જળપ્રલયના આ દૃશ્યો તો તમે જોયા જ હશે. આ દૃશ્યો જોયા પછી દરેક વ્યક્તિ એક જ વાત કહે છે કે આમાંથી જો કોઈ બચી ગયું હશે તો તે ચમત્કાર જ હશે. પરંતુ ઘણા એવા લોકો છે, જેઓ દુર્ઘટનાના થોડા સમય પહેલા જ નેપાળ-તિબેટના આ બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ પરથી પસાર થયા હતા. આ ખૂબ જ જાણીતો બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ છે.જ્યાં પ્રવાસીઓની અવરજવર સૌથી વધુ હોય છે.કારણ કે આ જ રસ્તેથી કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકાય છે.હાલમાં જ કૈલાશ માનસરોવરની યાત્રા ચાલી રહી હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.જેમાં ભારતીયોની સંખ્યા પણ ખૂબ જ વધારે હતી.અને દુનિયાના કોઈપણ ખૂણે ફરવાના સ્થળે ગુજરાતી ન હોય તેવું તો બની જ ન શકે.ઘણા ગુજરાતીઓ પણ માનસરોવરની યાત્રાએ ગયેલા હતા.

 

વડોદરાના કુલ 34 પ્રવાસીઓ ટુર ઓપરેટર મારફતે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા.જેમાંથી 12 યાત્રાળુઓ હેમખેમ પરત ફર્યા છે.આ પ્રવાસીઓમાં ચાર લોકો મુક્તિનાથ ફરવા માટે નેપાળમાં રોકાયા હતા.

તેઓ દુર્ઘટનાના થોડા સમય પહેલા જ નેપાળથી નીકળ્યા હતા.પ્રવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓ કાઠમંડુ એરપોર્ટ પહોંચી ગયા ત્યારે આ દુર્ઘટના બની ચૂકી હતી. પરંતુ આ અંગે તેમને કોઈ જ જાણ કરવામાં નહોતી આવી. અને કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટમાં તેઓ પાછા આવી ગયા હતા.દિલ્હી પહોંચતાં જ તેમને આ હોનારત અંગે જાણ થઈ હતી.

 

પ્રવાસીઓનું કહેવું છે કે જે બિલ્ડિંગમાં પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા હતા તે બિલ્ડિંગ જ પૂરના પ્રવાહમાં તણાઈ ગયું છે. જો તેઓ પણ ત્યાં રોકાયા હોત અથવા મોડા પહોંચ્યા હોત તો કદાચ આજે તેઓ પણ જીવિત ન હોત. પરંતુ નસીબે સાથ આપતાં તેઓ મોતના મુખમાંથી બહાર આવી ગયા.જોકે તેમની સાથે પ્રવાસે આવેલા કેટલાક લોકોનો હજુ પણ કોઈ પત્તો ન લાગ્યો હોવાથી તેઓ હજુ પણ આઘાતમાં છે.

 

કેવું લાગે? જ્યારે કોઈ જગ્યાની આપણે હજુ તો થોડા કલાકો પહેલા જ મુલાકાત લીધી હોય, અને એ સ્થળ જ આખું પાણીમાં તણાઈ જાય તો તેનો ઘા ખૂબ જ ઊંડો હોય છે. ત્યાં ખૂબ જ આનંદ સાથે વિતાવેલી ક્ષણો પણ ખૂબ જ આઘાતજનક લાગે છે. ભલે બચી ગયા, પણ લોકોને એવું લાગે છે કે, જ્યાં તેઓ થોડા સમય પહેલા રોકાયા હતા,

જ્યાં એકબીજા સાથે ફોટો પડાવ્યા હતા, ત્યાં આવી હોનારત સર્જાશે તેવી તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી. અને એટલે જ વડોદરાનો ભટ્ટ પરિવારના લોકોનું મન માનવા તૈયાર નથી કે ત્યાં કંઈક આવું બન્યું હશે.

 

હોનારતથી બચીને પાછા ફરેલા પ્રવાસીઓનું કહેવું છે કે જે લોકોએ તેમને મદદ કરી હતી, તે લોકો જ લાપતા છે. અને તેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત છે.

 

કુદરત કેમ આટલી ક્રૂર બની? કેમ નિર્દોષ લોકોને એક જ ક્ષણમાં મોતને ઘાટ ઉતારી દીધા? નિર્દોષ લોકોએ કુદરતનું શું બગાડ્યું હતું? આવા સવાલો સાથે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. પરંતુ હજુ થોડો સમય પહેલા ત્યાંથી પરત ફરેલા લોકો આ હોનારતને ખૂબ જ નજીકથી અનુભવી રહ્યા છે. કારણ કે એ જગ્યા સાથે એક લાગણી બંધાયેલી છે, એ જગ્યા સાથે ઘણી યાદો જોડાયેલી છે. આખરે જે વિસ્તારમાં આ હોનારત બની છે, હોનારતના થોડા કલાકો પહેલા કેવો માહોલ હતો? તે સાંભળશો તો તમને કેટલી મોટી જાનહાનિ થઈ હશે તેનો અંદાજ આવશે.

 

નેપાળમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને આ બધાની વચ્ચે લોકો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જે લોકો લાપતા છે, તેમનો સંપર્ક થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *