અમદાવાદમાં નકલી BP દવાનો પર્દાફાશ, 15 હજાર ગોળીઓ દર્દીઓ સુધી પહોંચી; 3ની ધરપકડ

Spread the love

અમદાવાદમાં બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે (Fake BP Medicine) આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં નકલી હોવાનો આરોપ ધરાવતી BPની દવાનો મોટો જથ્થો ઝડપાયો છે. તપાસ દરમિયાન શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાંથી આશરે 1,200 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શિલ સંઘવી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે.તપાસમાં સામે આવેલી વિગતો મુજબ NICARDIA RETARD 10 TABLET નામની દવાના ચોક્કસ બેચની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. આ દવાની એક સ્ટ્રીપમાં 10 ગોળીઓ હોય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં આશરે 1,500 સ્ટ્રીપ અમદાવાદના દર્દીઓને વેચાઈ હોવાનો અંદાજ છે. એટલે આશરે 15,000 ગોળીઓ દર્દીઓ સુધી પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

Fake BP Medicine: 11 મેડિકલ સ્ટોર્સમાં જથ્થો પહોંચાડ્યો હોવાનો આરોપ

 

તપાસ દરમિયાન અમદાવાદનાપાર્શ્વ મેડિકલ સ્ટોર મારફતે શહેરના આશરે 11 મેડિકલ સ્ટોર્સમાં દવાનો જથ્થો સપ્લાય થયો હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન અલગ-અલગ સ્થળોએથી આશરે 1,200 સ્ટ્રીપ કબજે કરવામાં આવી છે અધિકારીઓ હવે આ દવા કયા સ્થળે તૈયાર કરવામાં આવી હતી અને સપ્લાય ચેઇનમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહ્યા છે.

 

લખનઉથી ગુજરાત સુધી પહોંચ્યો જથ્થો

 

પ્રાથમિક તપાસ મુજબ ઉત્તર પ્રદેશના લખનઉમાંથીદેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી દ્વારા ગુજરાતમાં દવાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હોવાનો આરોપ છે. અમદાવાદમાં દર્શિલ સંઘવીએ આ દવા અંગે જાણકારી હોવા છતાં કમિશનની લાલચમાં જથ્થો ખરીદીને આગળ વેચ્યો હોવાનો તપાસ એજન્સીઓનો દાવો છે.આ મામલે આરોપીઓની ભૂમિકા અને નકલી દવાના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ ચાલી રહી છે.

 

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ કુલ 3,600 સ્ટ્રીપનો જથ્થો (Fake Tablet) લખનઉથી આગળ મોકલાયો હતો. તેમાંથી આશરે 2,700 સ્ટ્રીપ અમદાવાદ અને 900 સ્ટ્રીપ મૈસૂર પહોંચાડવામાંઆવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે 2,700માંથી 1,200 સ્ટ્રીપ કબજે કરી છે, જ્યારે બાકીની સ્ટ્રીપમાંથી આશરે 1,500 સ્ટ્રીપ દર્દીઓને વેચાઈ હોવાની માહિતી સામે આવી છે.

 

અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ સપ્લાય

 

તપાસમાં અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજ સહિતના વિસ્તારોમાં પણ આ જથ્થો પહોંચ્યો હોવાની માહિતી મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમો દવાના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા (Drug Scam Gujarat) માટે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે.

 

ત્રણ આરોપીની ધરપકડ

 

આ કેસમાં પોલીસે દર્શિલ સંઘવી, દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે નકલી દવાનો જથ્થો ક્યાં તૈયાર થયો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

કોઈપણ દવા અંગે શંકા હોય તો પોતાની રીતે દવા બંધ કે બદલવાને બદલે ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. દવાના પેકેટ પર કંપનીનું નામ, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી તારીખ તથા પેકિંગની વિગતો ચકાસી શકાય છે. પેકિંગ અસામાન્ય લાગે અથવા દવાની ઓળખ અંગે શંકા હોય તો દવા ન લેવી અને આરોગ્ય વ્યવસાયીનો સંપર્ક કરવો.

 

BPની દવા અંગે દર્દીઓએ સાવચેતી રાખવી

 

BPની દવા નિયમિત લેતા દર્દીઓએ પોતાની હાલની દવા અંગે કોઈ શંકા હોય તો દવા જાતે બંધ ન કરવી. સંબંધિત દવાનું પેકેટ/સ્ટ્રીપ લઈને ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ પાસે તેની ચકાસણી કરાવવી યોગ્ય રહેશે. નકલી દવાના કારણે અસરકારક સારવાર ન મળવાનું જોખમ હોઈ શકે છે, તેથી શંકાસ્પદ દવા અંગે તાત્કાલિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *