‘યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ’, Gen-Z સાથે PM મોદીએ કરી ખાસ વાતચીત

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Gen-Z સાથે Khelo India સંવાદ કાર્યક્રમમાં સીધો સંવાદ કર્યો. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. PM મોદીએ કહ્યું કે યુવાનોના મનમાં નવા વિચારો આવવા જોઈએ અને રમત જીવનના પડકારોનો સામનો કરવાની હિંમત આપે છે.

 

Gen-Z સાથે PM મોદીનો ખાસ સંવાદ

 

Khelo India કાર્યક્રમ દરમિયાન PM મોદી એ યુવાનો સાથે રમત, જીવન અને દેશના ભવિષ્ય અંગે વાત કરી.તેમણે કહ્યું કે રમત માત્ર ચેમ્પિયન બનવાનું શીખવતી નથી, પરંતુ વધુ સારો સ્પર્ધક બનવાનું પણ શીખવે છે.

 

તેમણે સમજાવ્યું કે રમત આપણને જીત અને હાર બંને સ્વીકારવાની શક્તિ આપે છે. મેદાન પર પડ્યા બાદ ફરી ઊભા થવાની ભાવના જીવનમાં પણ ખૂબ જરૂરી છે. તેમના મતે રમત યુવાનોમાં સંઘર્ષ કરવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સતત આગળ વધવાનો જુસ્સો વિકસાવે છે.

 

PM મોદી (PM Modi)એ યુવાનોને નવા વિચારો પર કામ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે દેશને આગળ લઈ જવા માટે યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ અને તે વિચારોને સાકાર કરવાની દિશામાં પ્રયાસ થવા જોઈએ.

 

લાલ કિલ્લાથી ભારતનું સ્પોર્ટ્સ વિઝન રજૂ કર્યું

 

PM મોદીએ 15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી રજૂ કરેલા ભારતના (Sports Vision) સ્પોર્ટ્સ વિઝનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશ માટે રમતનો અર્થ માત્ર મેડલ જીતવો નથી. તેમના જણાવ્યા અનુસાર રમત ભારતની રમત ક્ષમતા અને યુવા શક્તિને એકસાથે જોડીને વિકસિત ભારતના નિર્માણ તરફ લઈ જવાનું માધ્યમ બની શકે છે.

 

તેમણે કહ્યું કે કોઈ ખેલાડી સફળ થાય ત્યારે તેની સફળતા માત્ર વ્યક્તિગત રહેતી નથી. તેના પરિવારની ઓળખ વધે છે, શાળા અને કોલેજનું માન વધે છે અને તેના જિલ્લા તથા રાજ્યની ઓળખ પણ મજબૂત બને છે.

 

‘જે રમે છે તે ખીલે છે’

 

PM મોદીએ રમતના મહત્વને સમજાવતા કહ્યું કે ‘જે રમે છે તે ખીલે છે’. જોકે રમતમાં ખીલવાનો અર્થ માત્ર મેદાન પર જીત મેળવવો નથી. વ્યક્તિના વિકાસથી લઈને પરિવાર અને દેશનું ગૌરવ વધારવા સુધી રમતની અસર જોવા મળે છે.

 

તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થાય છે ત્યારે વિશ્વ તેના શહેર કે રાજ્યને પણ તે ખેલાડી સાથે જોડીને ઓળખવા લાગે છે. આ રીતે રમત દેશની ઓળખને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બને છે.

 

યુવાનો અને રમતને નવી પ્રાથમિકતા

 

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં યુવાનો અને રમતને નવી પ્રાથમિકતા મળી છે. માંડવિયાએ PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે યુવાનોને દેશનું ઉજ્જવળ વર્તમાન અને ભવિષ્ય માનવામાં આવ્યા છે અને તેમને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવામાં આવ્યા છે.

 

તેમણે વધુમાં કહ્યું કે દેશમાં પહેલીવાર રમતને માત્ર એક પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રાથમિકતા (National priority)તરીકે જોવામાં આવી રહી છે. આ અભિગમથી યુવાનોને રમત ક્ષેત્રે આગળ વધવાની સાથે દેશના વિકાસમાં યોગદાન આપવાની નવી તક મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *