કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તેમના પરિવાર સાથે મનાવશે. પરિવાર સાથે સમય વિતાવવાની સાથે-સાથે તેઓ પોતાના સંસદીય વિસ્તાર સહિત રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આજે અને આવતીકાલે અમરેલી તથા અમદાવાદમાં તેમના કુલ 5 જેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી સવારે 11:30 વાગ્યે અમરેલી જિલ્લાના લાઠી તાલુકા સ્થિત દુધાળા-હેતની હવેલી ખાતે પહોંચશે.પોતાના પ્રવાસના પ્રથમ કાર્યક્રમમાં અમિત શાહ સવારે અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. અહીં તેઓ હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ‘હેતની હવેલી’ સરોવરના લોકાર્પણ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં તેમના હસ્તે આ સરોવરને પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવશે, જે સ્થાનિક જળ સંચય અને પર્યાવરણ માટે એક મોટું કદમ છે.
ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની સમીક્ષા બેઠક
અમરેલીના કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ રમતગમત ક્ષેત્રને લગતી એક અત્યંત મહત્વની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવાના છે. આ બેઠકમાં આગામી ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતમાં કરવામાં આવેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં હાજરી
શિક્ષણ અને ગાંધીવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અમિત શાહ અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ વિદ્યાપીઠના ૭૨મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને દીક્ષાંત વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડશે.
ફાર્મા ઈનોવા એવોર્ડ્સમાં વિશેષ ઉપસ્થિતિ
સાંજના સમયે કેન્દ્રીય મંત્રી અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એક હોટેલ ખાતે આયોજિત એવોર્ડ સમારંભમાં ભાગ લેશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પ્રોત્સાહન માટે ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (Troikaa Pharmaceutical Ltd) દ્વારા આયોજિત ‘આર. વી. પટેલ ફાર્મા ઈનોવા એવોર્ડ્સ-૨૦૨૬’ (RV Patel PharmInnova Awards-2026) માં તેઓ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.
ઘાટલોડિયામાં લોકદરબાર અને પ્રજા સાથે સંવાદ
દિવસના અંતિમ કાર્યક્રમ તરીકે તેઓ પોતાના સંસદીય મતવિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરશે. ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં એક વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના લોકોને રૂબરૂ મળશે, તેમની રજૂઆતો સાંભળશે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરશે.
