આજીવન કેદની સજા ભોગવતા કેદીએ ભાગીને સરકારી નોકરી કરી, જીત્યો ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ; 40 વર્ષ પછી ધરપકડ

Spread the love

માર્ચ 1984માં પોલીસ જે કેદીના જેલમાં પાછો ફરવાની અપેક્ષા રાખી રહી હતી, તે આગામી 40 વર્ષ સુધી કાયદાની પહોંચની બહાર રહ્યો. આજીવન કેદની સજા ભોગવતી વખતે ફરાર થયા પછીતેણે ન માત્ર સરકારી શાળાના શિક્ષક તરીકે નોકરી મેળવી હતી, પરંતુ તેના કાર્ય માટે ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ પણ મેળવ્યો. સન્માન સાથે નિવૃત્તિ લીધા પછી, આખરે તેના જીવનના અંતિમ પડાવ પર ( 2024) પોલીસે તેની ધરપકડ કરી.73 વર્ષીય દોષિત ખૂનીની ધરપકડ બાદ ત્રણ વર્ષ માટે પેરોલ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેની પત્નીએ આ પ્રતિબંધને તેલંગાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

 

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ન્યાયાધીશ ટી. માધવી દેવીએ જણાવ્યું હતું કે, “આ કેસ દર્શાવે છે કે 40 વર્ષ સુધી ગુનેગારને શોધી શકાયો નહોતો. આ સમયગાળા દરમિયાન, તેને સરકારી નોકરી મળી અને નિવૃત્તિની ઉંમર સુધી અવિરત કામ કર્યું. આનાથી અન્ય ગુનેગારોને પણ વધારે સમય સુધી બહાર રહેવા અને અને છેતરપિંડી કરવાની રીત અપનાવવાનું પ્રોત્સાહન મળી શકે છે. કોર્ટે સંબંધિત અધિકારીઓને પેરોલ પર મુક્ત થયેલા કેદીઓ પર નજર રાખવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો.

 

શું છે આખો મામલો?

 

રેકોર્ડ મુજબ, અરજદારના પતિને 1983માં હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ડિસેમ્બર 1983માં તેને ત્રણ મહિના માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે માર્ચ 1984માં આત્મસમર્પણ કરવાનું હતું પરંતુ ક્યારેય જેલમાં પાછો ફર્યો નહીં.દોષિત ખૂની ચાર દાયકાથી વધુ સમય સુધી જેલની બહાર રહ્યો. 16 મે, 2024ના રોજ, એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેને પકડી લીધો. ત્યારબાદ, તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો. દોષિતની પત્નીએ જેલ પ્રશાસનના એ નિર્ણયનો વિરોધ કર્યો, જે હેઠળ પતિને સજામાં મળનારી 27 દિવસની સજા માફી છીનવી લેવામાં આવી હતી. સાથે જ આગામી ત્રણ વર્ષ માટે તેને કામચલાઉ મુક્તિ (પેરોલ અથવા ફર્લો) પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

પત્નીએ કોર્ટમાં અપીલ કરી છે કે આ કઠોર નિર્ણયને ઉલટાવી દેવામાં આવે જેથી કેદીને આ કાનૂની અધિકારો અને છૂટછાટો પાછી મળી શકે. અરજદારે દલીલ કરી હતી કે અધિકારીઓએ લગભગ 40 વર્ષના કોઇ પણ વિલંબ વિના કાર્યવાહી કરી. તેણે એ પણ જણાવ્યું કે તેના પતિ સરકારી શિક્ષક તરીકે કામ કરતો હતો. તે 2013માં નિવૃત્ત થયો હતો અને 2004માં તેને ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ પણ મળ્યો હતો.બીજી બાજુ, રાજ્યએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે અરજદારના પતિ પર લાદવામાં આવેલી સજા નિયમો અનુસાર હતી. એ પણ જણાવવામાં આવ્યું હતું કે અરજદારનો પતિ પેરોલમાંથી ફરાર થઈ ગયો અને પાછો રિપોર્ટ ન કર્યો તો તેને પકડવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમની રચના કરવામાં આવી હતી.

 

રાજ્યના વકીલે દલીલ કરી હતી કે પેરોલ એ કેદીઓ માટે સંપૂર્ણ અધિકાર નથી અને તે તેને અધિકાર તરીકે નહીં માંગી શકે. કોર્ટે નોંધ્યું કે કેદીએ તેની પેરોલ અવધિ પૂરી થયા પછી સ્વેચ્છાએ સેન્ટ્રલ જેલમાં રિપોર્ચ કરવા ન આવ્યો. તેણે જાણી જોઈને ધરપકડથી બચવાનો પ્રયાસ કર્યો અને તેની સજા અંગેની માહિતી છુપાવીને ‘છેતરપિંડી’ દ્વારા સરકારી નોકરી મેળવી હતી. આખરે, કોર્ટે અરજી ફગાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *