ગુનો સાબિત કરવા માત્ર ક્રૂરતા પૂરતી નહીં, ઇરાદો પણ સાબિત થવો જોઇએઃ હાઇકોર્ટ

Spread the love

ગુનો સાબિત કરવા માત્ર ‘ક્રૂરતા’ પૂરતી નથી પરંતુ તે ચોક્કસ ઈરાદા સાથે કરી હોવી જોઈએ એ પણ પ્રસ્થાપિત કાયદાનો સિદ્ધાંત છે એવું અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન હાઇકોર્ટે એક સાસુ સામેની FIR રદ કરતાં ચુકાદામાં કર્યો છે. અમેરિકા જતાં પહેલાં અને પરત આવ્યા બાદ પણ માત્ર અમદાવાદ ખાતે સાસુ સાથે બે મહિના વિતાવ્યા હોવા છતાંય બીજા દિવસથી સાસુ દ્વારા રૂ.10 લાખ દહેજ તરીકે માગવામાં આવતાં હોવાના આક્ષેપ વહુએ કર્યા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ રદ કરવા સાસુ દ્વારા ક્વોશિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જેમાં સાસુ પૂરતી ફરિયાદ અને અન્ય કાનૂની કાર્યવાહી રદ કરવાનો હુકમ જસ્ટિસ પી.એમ. રાવલે કર્યો છે.

 

આ કેસમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે,બંને પક્ષો તરફથી એડવોકેટ્સ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લેતાં એવું જણાય છે કે સાસુ વિરુદ્ધના આક્ષેપો ઉપજાવી કાઢેલા છે. ફરિયાદમાં પણ સાસુ વિરુદ્ધ કોઇ ચોક્કસ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા નથી. એટલું જ નહીં ફરિયાદી, વહુ જ્યારે અમેરિકા ગઇ અને પરત આવી એ દરમિયાન માત્ર બે મહિના તે સાસુ સાથે રહી હતી. એટલું જ નહીં, વર્ષ 2014માં જો તેને દહેજ માટે ત્રાસ અપાતો હતો તો તે સમયે FIR કરાવી શકતી હોત. પરંતુ FIR 2017માં કરવામાં આવી હતી. આ તમામ બાબતો FIRમાં કરાયેલા આક્ષેપો વિશ્વવસનીય હોય તેવું પુરવાર કરતાં નથી.

 

હાઇકોર્ટે એમ પણ નોંધ્યું છે કે જો આ કેસમાં નોંધવામાં આવેલી FIRને ધ્યાને લેવામાં આવે તો પણ આ કોર્ટનું એવું તારણ છે કે સાસુ વિરુદ્ધના આક્ષેપો પાયાવિહોણા અને બોગસ છે. જો આક્ષેપોનો સ્વીકાર પણ કરીએ તો એ માત્ર ક્રૂરતા દર્શાવે છે નહીં કે દહેજનો ગુનો દર્શાવે છે. આ મામલે સુપ્રીમ કોર્ટના નીતિન આહલુવાલીયાને જોઇએ તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુનો સાબિત કરવા માત્ર ક્રૂરતા પૂરતી નહીં, ગુના પાછળનો ઇરાદો પણ સાબિત થવો જોઇએ.

 

વધુમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે સમગ્ર FIR વાંચતા એવું જણાય છે કે દહેજના જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની કોઇ ચોક્કસ તારીખ, કઇ રીતે એ માગવામાં આવી અને સાસુ એમાં કઇ રીતે સંકળાયેલા છે એવું ક્યાંય સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના ચોક્કસ આક્ષેપોના અભાવમાં જો સાસુ વિરુદ્ધની FIRની તપાસ ચાલૂ રાખવામાં આવે તો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ થશે. પરિણામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં સાસુ વિરુદ્ધની FIR અને અન્ય કાનૂની કાર્યવાહીને રદ કરવાનો આદેશ કરવામાં આવે છે. અલબત્ત, આ અવલોકનો પતિ વિરુદ્ધની ટ્રાયલમાં ક્યાંય બાધક બનવા જોઇએ નહીં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *