નેપાળમાં વિનાશક પૂર આવે તેના થોડા દિવસ પહેલાં અમદાવાદના ટૂર ઓપરેટરે 22 યાત્રિકોની કૈલાસ માનસરોવર યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો. હવામાનની સ્થિતિ અને વિઝા મળવામાં થઈ રહેલા વિલંબને જોતા 22 ઓગસ્ટે યોજાનારી યાત્રા રદ કરી હતી.જોકે આ નિર્ણય યાત્રીઓને બચાવનારો સાબિત થયો હતો.
સ્મિતા સુથાર મે અને જૂનમાં કૈલાસ માનસરોવર યાત્રીઓના જૂથ સાથે ગયા હતાં. આ અગાઉના પ્રવાસોના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમણે ઓગસ્ટની યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે મને લાગ્યું કે આપણે આવતા વર્ષે જવું જોઈએ. હવામાન અને વિઝામાં થઈ રહેલા વિલંબને જોતા મેં ટૂર રદ કરી દીધી.
તેમણે કહ્યું કે હવે પૂરથી જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ત્યાંથી યાત્રીઓ પસાર થતા હોવાથી યાત્રા રદ કરવાનો નિર્ણય વધુ મહત્વનો લાગે છે. જો અમે ગયા હોત તો અમે પણ એ જ સ્થળે ફસાઈ ગયા હોત.
સ્મિતા સુથાર મે મહિનામાં આશરે 100 યાત્રિકોના જૂથને કૈલાસ માનસરોવર લઈ ગયાં હતાં. ત્યાર બાદ જૂનમાં તેઓ બીજા એક જૂથ સાથે પરત ફર્યાં હતાં. જોકે જૂનની યાત્રા વિઝામાં થયેલા વિલંબના કારણે ખોરવાઈ ગઈ હતી. વિઝા મળવામાં વિલંબ થતાં યાત્રીઓને પાંચ દિવસ સુધી કાઠમંડુમાં રોકાવું પડ્યું હતું. આ અનુભવની અસર ઓગસ્ટની યાત્રા અંગે નિર્ણય લેતી વખતે પણ જોવા મળી હતી.
નેપાળ-ચીન સરહદથી કૈલાસ માનસરોવર તરફ જવા માટે એક માર્ગ કિરૉંગ (ગિરૉંગ તરીકે પણ ઓળખાય છે) થઈને જાય છે, જ્યારે બીજો માર્ગ કોડારી સરહદ થઈને જાય છે. સ્મિતા સુથારે જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમનું જૂથ કોડારી માર્ગે કૈલાસ માનસરોવર ગયું હતું. જોકે આ વર્ષે યાત્રીઓ માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા કિરૉંગ કેમ્પમાં રોકાવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટની યાત્રા રદ કરવાનો નિર્ણય યોગ્ય સમયે લેવાયો હોવાનું જણાવીને સ્મિતાબેને તેને ભગવાન મહાદેવના આશીર્વાદ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે યાત્રા અંગે ફરી વિચાર કરવા માટે તેમની “છઠ્ઠી ઇન્દ્રિય”એ પણ તેમને પ્રેરણા આપી હતી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે યાત્રા રદ કરવાનો સમયગાળો અસામાન્ય હતો. નેપાળમાં મોટા તહેવારનો સમય હોવાથી કૈલાસ માનસરોવર તરફ મોટી સંખ્યામાં યાત્રિકો જઈ રહ્યા હતા. યાત્રિકોની ભારે અવરજવરને કારણે સરહદ અને ઇમિગ્રેશન કેન્દ્રો પર પણ ધસારો વધ્યો હતો. તેવા સંજોગોમાં સ્થાનિક યાત્રિકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી હતી.
ભારતીય યાત્રિકો માટે મર્યાદિત સંખ્યામાં વિઝા ઉપલબ્ધ હોવાના કારણે યાત્રિકોમાં એનઆરઆઈની હાજરી વધી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
