શહેરના કૃષ્ણનગરમાં ગઈકાલે મોડી સાંજે ખુની ખેલ ખેલાયો હોવાથી હડકંપ મચ્યો છે. ઠક્કર નગર પોલીસ ચોકી નજીકમાં જ મોડી સાંજે યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક આરોપી પહેલાથી જ એક હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપીએ જામીન પર છૂટીને હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગત મોડી સાંજે હત્યાનો બનાવ બન્યો છે. ઠક્કર નગર પોલીસ ચોકી નજીક દિલીપ ઉર્ફે બકરો સોનકર નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતા જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં આ હત્યાનો બનાવ બનવા પામેલ છે. પોલીસે ભરત ઉર્ફે બકરો ચુનારા અને રોહિત દંતાણી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
શા માટે બન્યો બનાવ?
મૃતક દિલીપ સોનકરના મિત્ર સંદીપ દિવાકર અને કમલેશ ઉર્ફે કાળુ મરાઠીએ વર્ષ 2018માં વસંતનગરના છાપરામાં રહેતા વિજય ચુનારાઓને માર માર્યો હતો. દિલીપ સોનકર સંદીપ અને કમલેશનો ખાસ મિત્ર હતો. આ સમયગાળા દરમિયાનથી બંને પક્ષો વચ્ચે અંદરો અંદર અદાવત ચાલતી હતી. જે અદાવતમાં વર્ષ 2020માં વિજય ઉર્ફે બકરો તથા તેનો ભાઈ ભરત ઉર્ફે બકરો અને અન્ય શખ્સોએ ભેગા મળી દિલીપના મિત્ર ધર્મેશ મરાઠીની હત્યા કરી હતી.
બાદમાં આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયો હતો. જેમાં ભરત અને તેના ભાઈ વિજયને આજીવન કેદની સજા પણ થયેલી છે. જોકે ભરત ચુનારા 18મી ઓગસ્ટના દિવસે જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યો હતો. ત્યારે જેલમાંથી બહાર આવ્યાના એક માત્ર 10 દિવસના સમયગાળામાં જ રક્ષાબંધના આગલા દિવસે તેને ફરી એકવાર હત્યાકાંડને અંજામ આપતા ચકચાર મચી છે.
નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદ કૃષ્ણનગરના હત્યાકાંડમાં પકડાયેલ આરોપી ભરત ચુનારા વિરુદ્ધમાં અગાઉ કૃષ્ણનગર, ખેડા ટાઉન, પાટણ અને મહેમદાબાદમાં હત્યા, હત્યાની કોશિશ, ચોરી અને પ્રોહીબિશનના 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે રોહિત દંતાણી વિરુદ્ધમાં પણ 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.