નેશનલ હાઇવે-48 પર આવેલા વલાદ ગામની એન્ટ્રી પાસે કચરાના ઢગલા ખડકાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગિફ્ટ સિટીની નજીક આવેલા ગામમાં પ્રવેશતાં જ રસ્તાની આસપાસ પ્લાસ્ટિકની થેલીઓ, ઘરગથ્થુ કચરો અને અન્ય કચરો ખુલ્લામાં પડેલો જોવા મળે છે. કચરો લાંબા સમયથી એકઠો થતો હોવાના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકો પરેશાન બન્યા છે.
વલાદ ગામ નેશનલ હાઇવે-48 પર હોવાથી અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. એક તરફ ગિફ્ટ સિટી જેવા વિકસિત વિસ્તારની નજીક ગામ આવેલું છે, ત્યારે બીજી તરફ એન્ટ્રી પર ગંદકીના દૃશ્યો તંત્રની સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડીઓ દ્વારા લાવવામાં આવેલો કચરો પણ એન્ટ્રી પાસે જ ઠાલવવામાં આવે છે. જેના કારણે કચરાનો જથ્થો સતત વધતો જાય છે. પવન સાથે પ્લાસ્ટિક અને અન્ય કચરો આસપાસ ફેલાય છે.
