ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મૂંગા પ્રાણીઓ હવે સુરક્ષિત રહ્યા નથી. થોડા દિવસ અગાઉ ગાંધીનગર નજીક આવેલા ભાઈજીપુરા વિસ્તારમાં અને બરાબર એક વર્ષ પહેલાં સુઘડ કેનાલ નજીક અજાણ્યા શિકારીઓ દ્વારા પોતાના શોખ માટે બંદૂકની ગોળી મારીને નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો.
વન વિભાગમાં આવતા આ પ્રાણીના શિકાર બાબતે પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘણા દિવસો વીતી ગયા હોવા છતાંય હજુ સુધી બંદૂકધારી શિકારીઓનો કોઈ પતો લાગ્યો નથી.ભાઈજીપુરા વિસ્તારમાં આવેલા સૃષ્ટિ બંગ્લોઝ અને હોટલ એમ્પાયર પાછળના ખુલ્લા ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકની ગોળી મારીને નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શિકાર કર્યા બાદ ત્રણ જેટલા શિકારીઓ મોટરસાઈકલ પર સવાર થઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ ગાંધીનગર વન વિભાગ અને પોલીસે ગુનો નોંધીને શિકારીઓને પકડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા, પરંતુ હજુ સુધી બંનેમાંથી એક પણ સત્તાવાળાઓને કોઈ સફળતા કે કડી મળી નથી.અગાઉ એક વર્ષ પહેલાં પણ સુઘડ પાસે કેનાલ નજીક આ જ રીતે નીલગાયનો ગોળી મારીને શિકાર કરવામાં આવ્યો હતો, જેમાં પણ વન વિભાગના હાથે કોઈ શિકારી ચડ્યો નહોતો.
ભાઈજીપુરાની તાજી ઘટનામાં પણ તપાસ આગળ વધતી ન હોવાથી અને કોઈ નક્કર પુરાવા ન મળતા પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાણીપ્રેમીઓનું સ્પષ્ટ માનવું છે કે વન વિભાગ અને પોલીસની સુસ્ત કામગીરીને કારણે અગાઉના કેસની જેમ આ નવો કેસ પણ માત્ર સરકારી ફાઈલોમાં જ દબાઈને રહી જશે.