ગાંધીનગરમાં સગીર બાળકોને વાહન સોંપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગત 16 ઓગસ્ટના ચરેડી ચોકડી નજીકથી પસાર થતાં એક નિર્દોષ કાવડ યાત્રીને કચડી મોતને ઘાટ ઉતારનાર 15 વર્ષનો સગીર હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે ગાડીના માલિક પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પૂરપાટ આવતા કારચાલકે કાવડ યાત્રીને જોરદાર ટક્કર મારી
અમદાવાદના અમરાઈવાડીના શાસ્ત્રીનગર ખાતે રહેતા અને મૂળ કાવડ યાત્રામાં જોડાયેલા 35 વર્ષના અમિતકુમાર છેદીલાલ સરોજ 16 ઓગસ્ટે રાત્રિના સમયે માણસા નજીક અમરાપુર ગામે જઈ રહ્યો હતો. આ દરમિયાન રાત્રિના 10:15 વાગ્યે ગાંધીનગર ચરેડી ચોકડી નજીક પેથાપુર જવાના રોડ પર પાછળથી પૂરપાટ આવતા કારચાલકે અમિતકુમારને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જ્યો બાદ કારચાલક નાસી છૂટ્યો અકસ્માતમાં અમિતકુમારને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. ઘટના અંગે સાથી કાવડ યાત્રી સંતોષભાઈએ ઇજાગ્રસ્તના ભાઈ મેવાલાલ સરોજને જાણ કરી હતી અને અમિતકુમારને 108 મારફતે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સીસીટીવીમાં શંકાસ્પદ કિયા કાર જોવા મળી હતી સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી પીઆઇ એલ.પી. દેસાઈની ટીમે તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળનું પંચનામું કરી વાહન શોધી કાઢવા નેત્રમ કંટ્રોલ ખાતે સીસીટીવી ફૂટેજ ચકાસણી અર્થે રિપોર્ટ કર્યો હતો. બાદમાં ચ-7 અને ચ-6 સર્લકના સીસીટીવી ચેક કરતાં એક શંકાસ્પદ કિયા કાર (GJ-18EG-0132) આગળના ભાગથી ડેમેજ જોવા મળી હતી.
પિતા ઘરે ચાવી મૂકીને જતા દીકરો ગાડી લઈને નીકળ્યો પોલીસે ગાડીના રજિસ્ટર્ડ નંબરથી માલિકની વિગતો મેળવી હતી. ગાડી સેક્ટર 21 પંચશીલ પાર્ક સોસાયટી હરીમિલન ફ્લેટમાં રહેતા દિનેશ ચૌધરીની હતી.
તપાસના ભાગરૂપે પોલીસનું તેડું આવતા ગાડી માલિક દિનેશભાઈ પોતાના સગીર પુત્ર સાથે પોલીસ સ્ટેશન હાજર થયા હતા. વાલીની હાજરીમાં સગીરે કબૂલાત કરી હતી કે, 16 ઓગસ્ટના રોજ રાત્રે પિતા ઘરે ગાડીની ચાવી મૂકીને ગયા હતા. લાઈસન્સ ન હોવા છતાં તે મિત્રો સાથે કિયા કાર લઈ પેથાપુર નીકળ્યો હતો.
પોલીસે સગીરના પિતા સામે ગુનો દાખલ કર્યો
રસ્તામાં ચરેડી ચોકીડ પાસે રાહદારી સાથે અકસ્માત થતાં ગભરાઈ તે ગાડી લઇને ભાગી ગયો હતો. પોલીસે પોતાની કારની ચાવી બેદરકારીથી ઘરે મૂકી સગીર પુત્ર કાર લઈ જાય તેવી સ્થિતિ ઊભી કરનાર પિતા દિનેશભાઈ ચૌધરી સામે ગુનો નોંધ્યો છે. આ અંગે પીઆઈ દેસાઈએ કહ્યું કે, અકસ્માત સ્થળે સીસીટીવી નથી. પરંતુ તપાસના અંતે અકસ્માતગ્રસ્ત કાર ચ-6 અને ચ-7 સર્કલના કેમેરામાં જોવા મળી હતી. જેના થકી આ સમગ્ર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે.